Site icon Revoi.in

GTU દ્વારા 15મીથી શરૂ થતી પરીક્ષામાં ઓનલાઈન અને ઓફલાઈન બે વિકલ્પ આપવા માગ

Social Share

અમદાવાદઃ રાજ્યમાં કોરોનાના ત્રીજા વેવમાં કેસ વધતા જતા યુનિવર્સિટીઓએ પરીક્ષાનો કાર્યક્રમ સ્થગિત કર્યો હતો. હવે રાજ્યમાં કોરોનાના કેસમાં નોંધપાત્ર ઘટાડો થઈ રહ્યો છે. તેથી સરકારે નિયંત્રણો પણ હળવા કર્યા છે. ધો, 1થી 9 શાળાઓમાં ઓફલાઈન શિક્ષણ આપવાનો પણ આવતી કાલથી પ્રારંભ થઈ રહ્યો છે. ગુજરાત યુનિવર્સિટીએ વિદ્યાર્થીઓને ઓફલાઈન અને ઓન લાઈન પરીક્ષા આપવાના બે વિકલ્પ આપ્યા છે. ત્યારે ગુજરાત ટેકનોલોજી યુનિવર્સિટીએ માત્ર ઓફલાઈન પરીક્ષા લેવાનું નક્કી કરતા વિદ્યાર્થીઓએ વિરોધ કર્યો છે. અને વિદ્યાર્થીઓને ઓનલાઈન અને ઓફલાઈન બે વિકલ્પ આપવાની માગણી કરી છે. આ અંગે કેટલાક વિદ્યાર્થી નેતાઓએ પણ રજુઆત કરી છે,

સૂત્રોના જણાવ્યા મુજબ અમદાવાદમાં ગુજરાત ટેકનોલોજીકલ યુનિવર્સિટીમાં આગામી 15 ફેબ્રુઆરીથી ઓફલાઈન પરીક્ષાઓ શરુ થવાની છે. GTU દ્વારા આ વખતે પરીક્ષા ઓનલાઈન આપી શકાય તેવો કોઈ વિકલ્પ આપવામાં નથી આવ્યો. અમદાવાદમાં કોરોનાના કેસ હજુ પણ નોંધાઈ રહ્યા છે અને વિદ્યાર્થીઓ  પરીક્ષામાં મોટી સંખ્યામાં એકઠા થાય તો સંક્રમણ વધવાની શક્યતા રહેલી છે. જેથી GTUના વિદ્યાર્થીઓએ સોશિયલ મીડિયાના માધ્યમથી રજૂઆત કરી છે કે, GTU દ્વારા ઓનલાઈન અને ઓફલાઈન પરીક્ષાનો વિકલ્પ હોવો જોઈએ.

GTUના રજિસ્ટ્રાર દ્વારા ફક્ત ઓફલાઈન પરીક્ષા જ લેવાશે તેમ જણાવવામાં આવ્યુ છે. જેથી ફાર્મસી સેમેસ્ટર-3ના વિદ્યાર્થીઓ દ્વારા 15 ફેબ્રુઆરીની પરીક્ષા માટે બે વિકલ્પની માગ કરાઈ છે. તેમની રજૂઆત છે કે કોરોનાકાળમાં વિદ્યાર્થીઓને પરીક્ષા કેવી રીતે આપવી તેનો વિકલ્પ મળવો જોઈએ. જોકે મોટાભાગના વિદ્યાર્થીઓ ઓફલાઈન પરીક્ષા આપવા માગે છે.