દિલ્હીઃ ભારત સહિત દુનિયાના અનેક દેશો કોરોના મહામારીનો સામનો કરી રહ્યાં છે. જો કે, બ્રિટેન અને અમેરિકા સહિતના દેશોમાં કોરોનાની રસીકરણ શરૂ કરવામાં આવ્યું છે. દરમિયાન બ્રિટનમાં કોરોના વાયરસનો નવો સ્ટ્રેઈન સામે આવતા ખળભળાટ મચી ગયો છે. ત્યારે ભારતમાં યુકેથી આવતી-જતી તમામ ફ્લાઈટ ઉપર પ્રતિબંધ મુકવાની દિલ્હીના મુખ્યમંત્રી અરવિંદ કેજરીવાલ અને રાજસ્થાનના મુખ્યમંત્રી અશોક ગહેલોતે માંગણી કરી હતી. દરમિયાન ભારત સરકારે પણ બ્રિટનથી આવનારી ફ્લાઇટ્સ પર 31 ડિસેમ્બર સુધી પ્રતિબંધ લગાવી દીધો હોવાનું જાણવા મળે છે.
રાજ્સથાનના મુખ્યમંત્રીએ ટ્વીટ કર્યું છે કે, યુનાઇટેડ કિંગડમમાં કોરોનાના નવા સ્ટ્રેઇનના સમાચાર ઘણા ચિંતાજનક છે. ભારત સરકારે આ મામલે તરત જ એક્શન લેવા જોઇએ અને યુકે તથા અન્ય યુરોપીયન દેશોથી આવતી ફ્લાઇટ તરત બેન કરવી જોઇએ. ભારતે અન્ય દેશો સાથે પણ કોઇપણ પ્રકારની મૂવમેન્ટ પર સતર્કતા દાખવવી પડશે. વાયરસના નવા સ્ટ્રેઇનનો કોઇ મામલો આવે છે, તો મેડિકલ એક્સપર્ટ્સે તૈયાર રહેવું જોઇએ. દરમિયાન દિલ્હીના મુખ્યમંત્રીએ પણ ટ્વીટ કર્યું હતું કે, ભારત સરકારે યુકેની તમામ ફ્લાઇટ્સ બેન કરવી જોઇએ. દરમિયાન ભારત સરકાર પણ એલર્ટ બની હતી અને બ્રિટનથી આવતી ફ્લાઈટ ઉપર પ્રતિબંધ ફરમાવ્યો હોવાનું જાણવા મળે છે.
દુનિયામાં ભારત સહિત 13 દેશોએ બ્રિટનથી આવતી-જતી ફ્લાઈટ પર પ્રિતબંધ મુક્યો છે, કોરોનાના નવા પ્રકારના વાયરસથી દહેશત સાઉદીએ બોર્ડર પણ સીલ કરી દીધી હોવાના અહેવાલ છે. અમેરિકા સંસદે કોરોના રાહત માટે 900 બિલિયન ડોલરના કોરોના રાહત ફન્ડને મંજૂરી આપી દીધી છે.