અમદાવાદ : રાજ્યમાં ગણેશોત્સવ પણ ધામધૂમથી ઊજવવામાં આવે છે. અમદાવાદ શહેરમાં ગણેશોત્સવની તૈયારીઓ પણ શરૂ કરી દેવામાં આવી છે. દર વર્ષે પ્લાસ્ટર ઓફ પેરિસ-પીઓપીમાંથી બનાવેલી મૂર્તીઓનું સારૂએવું વેચાણ થતું હતું. જેના કારણે પ્રદુષણના પ્રશ્નો પણ ઊભા થતા હતા. હવે લોકોમાં જાગૃતિ આવી રહી છે. અને ગણેશજીની માટીની મૂર્તિઓની માગ વધી રહી છે. જોકે પીઓપી કરતા માટીની મૂર્તિઓ મોંઘી હોવા છતાં લોકો માટીની જ મૂર્તિઓ ખરીદી રહ્યા છે.
છેલ્લા ઘણા સમયથી અમદાવાદ, રાજકોટ સહિત મહાનગરોમાં ગણેશ ચતુર્થીથી દસ દિવસ સાર્વજનિક તેમજ સોસાયટી, એપાર્ટમેન્ટ અને ઘરમાં જ મૂર્તિની પધરામણી કરી ગણેશ ઉત્સવ ઉજવવા વધુને વધુ ભાવિકો જોડાઈ રહ્યા છે. અગાઉ મોટાભાગે ગણપતિની મોટી અને પ્લાસ્ટર ઓફ પેરીસની, કેમિકલના રંગથી રંગાયેલી મૂર્તિઓનું સ્થાપન કરવામાં આવતું. આ મૂર્તિને જળમા વિસર્જન કરવાથી પ્રદુષણ ફેલાય છે, જળ સૃષ્ટિ પર જોખમ ઉભું થાય છે. પ્લાસ્ટર ઓફ પેરીસની મૂર્તિઓ પાણીમાં ઓગળતી પણ નથી. જેથી વિસર્જનનો હેતુ પણ સરતો નથી.આ તમામ બાબતોને ધ્યાને રાખીને પર્યાવરણની જાળવણી કરવા મથતા વ્યક્તિઓ, સંસ્થાઓ દ્વારા ઈકો ફ્રેન્ડલી ગણપતિની મૂર્તિની સ્થાપના કરવા જાગૃતિ ફેલાવવામાં આવી રહી છે. જેમાં ઘણે અંશે પ્રતિસાદ મળતા મોટાભાગના પંડાલોમાં ઈકો ફ્રેન્ડલી મૂર્તિની સ્થાપના કરવામાં આવી રહી છે. આગામી 10મી સપ્ટેમ્બરથી ગણેશ ચતુર્થીના પાવન પર્વના શ્રીગણેશ થઈ રહ્યા છે. ત્યારે અત્યારથી જ ઈકો ફ્રેન્ડલી મૂર્તિ માટે જાગૃતિ આવે તેવા પ્રયાસ હિન્દુ જાગરણ મંચ દ્વારા કરવામાં આવી રહ્યા છે.
રાજકોટમાં ગાયના ગોબર (છાણ), પાણી અને માટીમાંથી બનાવેલી 8 ઈંચથી ર1 ઈંચ સુધીની મૂર્તિ નહીં નફો-નહીં નુકસાના ધોરણે વેંચવા માટે વ્યવસ્થા ગોઠવાઈ છે.