Site icon Revoi.in

ગુજરાતમાં વરસાદ ખેંચાતા વીજ માગ વધી, સિચાઈ માટે પાણીની કોઈ સમસ્યા નથીઃ ઋષિકેશ પટેલ

Social Share

અમદાવાદઃ ગુજરાતમાં અષાઢના પ્રારંભ પહેલા વરસાદનું આગમન થયું હતુ અને જુલાઈ મહિનામાં પણ સારોએવો વરસાદ પડ્યો હતો, સારા વરસાદને કારણે ખરીફ પાકના વાવેતરમાં પણ વધારો થયો છે. હવે જ્યારે કૃષિપાકને વરસાદની ખાસ જરૂર છે. ત્યારે ઓગસ્ટ મહિના દરમિયાન આગાહી હોવા છતાંયે વરસાદ ખેંચાયો છે. ખેડુતો ખરીફપાકને બચાવવા માટે બોર અને કૂવામાંથી પાણી મેળવીને સિંચાઈ કરી રહ્યા છે. એટલે રાજ્યમાં વીજળીની માગમાં વધારો થયો છે. દરમિયાન રાજ્ય સરકારના પ્રવક્તામંત્રી ઋષિકેશ પટેલે જણાવ્યું હતું કે,  વરસાદ પડવામાં એક મહિના જેટલો અંતરાલ પડ્યો છે. વરસાદ ખેંચાતા વિજળીની માગણી વધી છે. હાલ પીવાના પાણીની કોઈ સમસ્યા નથી.સિંચાઈ માટે પાણી છોડવામાં આવશે અને પાણીની જરૂર છે ત્યાં પાણી છોડવામાં આવી રહ્યું છે.

ગુજરાતમાં કચ્છમાં સૌથી વધુ સરેરાશ 136 ટકા વરસાદ વરસ્યો છે. સૌરાષ્ટ્રમાં 110 ટકા વરસાદ પડ્યો છે. દક્ષિણ ગુજરાતમાં 72 ટકા વરસાદ વરસ્યો છે. જ્યારે ઉત્તર ગુજરાતમાં સરેરાશ 67 ટકા વરસાદ પડ્યો છે. બીજી તરફ દાહોદ જિલ્લામાં સૌથી ઓછો 50 ટકા વરસાદ નોંધાયો છે. નર્મદા જિલ્લમાં 54 ટકા વરસાદ પડ્યો છે. ગાંધીનગર જિલ્લામાં 55 ટકા વરસાદ નોંધાયો છે. તો વડોદરા જિલ્લામાં 57 ટકા વરસાદ પડ્યો છે. તેમજ અરવલ્લીમાં 58 ટકા વરસાદ નોંધાયો છે. હવામાન વિભાગ દ્વારા વરસાદની આગાહી કરવામાં આવે છે. પણ મેઘરાજા મન મુકીને વરસતા નથી. છેલ્લા 24 કલાક દરમિયાન 54 તાલુકામાં વરસાદના સામાન્ય ઝાપટાં પડ્યા હતા.

રાજ્યનાં જળાશયો પાણીથી ભરપૂર છે. સૌરાષ્ટ્રનાં જળાશયો 84 ટકા ભરાયેલા છે. સરદાર સરોવરમાં 78 ટકા પાણીનો સંગ્રહ છે. દક્ષિણ ગુજરાતનાં જળાશયોમાં 76 ટકા ભરાયેલા છે. ઉત્તર ગુજરાત જળાશયોમાં 74 ટકા પાણીનો સંગ્રહ છે. જ્યારે કચ્છના જળાશયોમાં 64 ટકા પાણીનો સંગ્રહ છે. તો મધ્ય ગુજરાતના જળાશયોમાં 49 ટકા પાણીનો સંગ્રહ છે. હાલ રાજ્યનાં જળાશયોની સ્થિતિની વાત કરીએ તો 94 જળાશયોમાં 90 ટકા પાણીનો સંગ્રહ થયેલો છે. 28 જળાશયોમાં 80થી 90 ટકા પાણીનો સંગ્રહ છે. જ્યારે 10 જળાશયોમાં 70થી 80 ટકા પાણીથી ભરાયેલા છે. તો 74 જળાશયોમાં 70 ટકાથી ઓછું પાણી સંગ્રહ થયેલ છે. એટલે રાજ્યમાં પીવાના પાણીની તેમજ સિંચાઈ માટેના પાણીની કોઈ સમસ્યા સર્જાશે નહીં.