Site icon Revoi.in

સાયલા તાલુકામાં નાના-મોટા 139 જેટલા તળાવો ખાલીખમ, નર્મદાના નીરથી ભરવા માગણી

Social Share

સુરેન્દ્રનગરઃ સાયલા તાલુકાના નાના-મોટા 139 જેટલા તળાવો ખાલીખમ છે, લોકો પાણીની હાડમારી વેઠી રહ્યા છે. પશુપાલકોની હાલત પણ કફોડી બની છે. માલ-ઢોરને પાણી પીવડાવવા ક્યાં જવું તે મોટો પ્રશ્ન છે. ત્યારે નર્મદાના પાણીથી ખાલી તળાવો ભરવાની ગ્રામલોકો માગણી કરી રહ્યા છે. તાલુકાના સુદામડા, ધાંધલપુર, ડોળિયા સહિત 20 જેટલા ગ્રામ્ય વિસ્તારના સિંચાઇના અને 139 નાના તળાવો ખાલીખમ જોવા મળી રહ્યાં છે. તાલુકાના જમીનના તળમાં તુરુ અને ખારુ પાણી હોવાના કારણે અનેક ગામો નર્મદાના નીર અને વરસાદી પાણી આધારિત તળાવો એક માત્ર પાણીનો સ્ત્રોત જોવા મળે છે.

સૂત્રોના જણાવ્યા મુજબ નાની સિંચાઇ યોજના હેઠળના 40થી 43 હેક્ટરના સુદામડા, સાયલા, ડોળીયા, ધાંધલપુર, નાગડકા સહિત 20 ગામના તળાવો સિંચાઇના આધારીત છે. મોટા તળાવો ઉપરાંત 2થી 2.5 હેક્ટરના અનુશ્રવણ 139 તળાવ સહિત 159 નાના – મોટા તળાવો ખાલીખમ જોવા મળી રહ્યા છે. જેના કારણે ઉનાળાના કપરા દિવસોમાં મહિલાઓ માટે ઘર વપરાશ, વાસણ અને કપડાની સફાઇ માટે ઘર વપરાશનું પાણી અને પશુપાલકોને પશુઓના નિભાવ પરેશાની છે. ગામડાઓ માટે એક માત્ર તળાવ આશીર્વાદરૂપ છે. વરસાદની ખેંચના કારણે તમામ તળાવો સુકાયેલી સ્થિતિએ જોવામાં આવતા ખેડૂતોને કપાસ, મગફળી સહિતના એક પાક પાણી માટે મુશ્કેલી જોવા મળી છે. કૂવા, બોરમાં પાણીના તળ ઊંડા જતા ખેડૂતો ચાતક નજરે વરસાદની રાહમાં છે. ખાસ કરીને તાલુકાના મોટા ભાગના ગામોમાં પશુપાલન વધુ જોવા મળે છે. ત્યારે પશુઓ માટે પાણી માટે પાણીની પીડા વધુ વકરી રહી છે. અને પશુપાલકોનો સરકાર તમામ તળાવોને નર્મદાના પાણી દ્વારા ભરવામાં આવે તેવો પણ સૂર ઉઠ્યો છે.

સાયલાના ડોળિયાના સરપંચ દિલીપભાઇ સણોથરાના જણાવ્યા મુજબ ડોળિયા ગામના જૂના, નવા તળાવ અને બાઉન્ડ્રી પાસે આવેલા તળાવમાં નર્મદાના નીરથી ભરવામાં આવે તો જ કેશરપર, સામતપર, ભાડુકા, ગોસળ અને ભાડુકાની સીમજમીનના કૂવા, બોરના તળ ઊંચા આવે અને પાણીની સમસ્યા હળવી બને તેમ છે. આગામી ઉનાળામાં દિવસોમાં પાણીની સમસ્યા થાય તે પહેલા ગ્રામ્ય વિસ્તારોના તળાવમાં નર્મદાનું પાણી ઠલવવામાં આવે તો પશુ, મહિલા માટે રાહત જોવા મળશે. આ બાબતે અનેક ગામના સરપંચ અને પશુપાલકોની માંગ ઉઠી રહી છે.