- હવે મહારાષ્ટ્રમાં પણ શાળાઓમાં ભગવદ ગીતા ભણાવવાની ઉઠી માંગ
- બીજેપીએ કરી માંગ
- મુખ્યમંત્રી ઉદ્ધવ ઠાકરે અને શાળા શિક્ષણ મંત્રી વર્ષા ગાયકવાડ પાસે કરી માંગણી
મુંબઈ:ગુજરાત સરકારે તેના રાજ્યની શાળાઓમાં ધોરણ 6 થી 12 ના વિદ્યાર્થીઓને શ્રીમદ ભગવત ગીતાનો સાર શીખવવાનું નક્કી કર્યું છે. ગુજરાતની નવી શિક્ષણ નીતિ અંતર્ગત આ નિર્ણય લેવામાં આવ્યો છે. ગુજરાતના શિક્ષણ મંત્રી જીતુ વાઘાણીએ આ જાહેરાત કરી હતી.આ નિર્ણય શૈક્ષણિક વર્ષ 2022-23 થી લાગુ કરવામાં આવશે.ગુજરાત સરકારનો આ નિર્ણય ગુજરાત માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક શિક્ષણ બોર્ડની તમામ સરકારી અને અનુદાનિત શાળાઓમાં લાગુ પડશે.આ પછી કર્ણાટકના શિક્ષણ મંત્રીએ પણ કર્ણાટકની શાળાના અભ્યાસક્રમમાં ભગવદ ગીતાને સામેલ કરવાનો સંકેત આપ્યો છે. આ રાજ્યો બાદ હવે મહારાષ્ટ્રમાં પણ ભાજપે મુખ્યમંત્રી ઉદ્ધવ ઠાકરે અને શાળા શિક્ષણ મંત્રી વર્ષા ગાયકવાડ પાસે ભગવદ ગીતા અને સંત સાહિત્યને શાળાઓના અભ્યાસક્રમમાં સામેલ કરવાની માંગ કરી છે.
ભાજપની આધ્યાત્મિક પાંખના વડા તુષાર ભોસલેએ ભગવદ ગીતાને શાળાઓમાં ભણાવવાની માગણી કરતાં કહ્યું છે કે,ભગવદ્ ગીતા માત્ર ધાર્મિક પુસ્તક નથી પરંતુ જીવન જીવવાની રીત છે.તેમનું કહેવું છે કે, શાળા શિક્ષણમાં ભગવદ ગીતાનો સમાવેશ કરવાનો ગુજરાત સરકારનો નિર્ણય ઘણો સારો છે.મહારાષ્ટ્ર સરકારે ભગવદ ગીતા, જ્ઞાનેશ્વરી, તુકારામ ગાથા જેવા સંત સાહિત્યનો પણ શાળાના અભ્યાસક્રમમાં સમાવેશ કરવો જોઈએ. આનાથી આવનારી પેઢીઓમાં સારા મૂલ્યો કેળવવામાં આવશે.મહારાષ્ટ્રની સંસ્કૃતિ અને પરંપરાનું જ્ઞાન હોવું જરૂરી છે. આથી કોઈપણ રાજનીતિ લાવ્યા વિના ભગવદ્ ગીતા અને સંત સાહિત્યનો અભ્યાસક્રમમાં સમાવેશ કરવો જોઈએ.ભાજપ વતી તુષાર ભોસલેએ મુખ્યમંત્રી ઉદ્ધવ ઠાકરે અને શાળા શિક્ષણ મંત્રી વર્ષા ગાયકવાડ સમક્ષ આ માંગણી કરી છે.
કર્ણાટક સરકાર આ સંબંધમાં શિક્ષણ ક્ષેત્ર સાથે સંબંધિત નિષ્ણાતોની એક સમિતિની રચના કરવાનું વિચારી રહી છે. આ સમિતિ એ તારણ પર આવશે કે જો શાળાઓમાં નૈતિક શિક્ષણ શરૂ કરવું હોય તો નૈતિક શિક્ષણમાં કયા વિષયોનો સમાવેશ કરવો જોઈએ જે વિદ્યાર્થીઓના ચારિત્ર્ય ઘડતરમાં મદદરૂપ થઈ શકે. તે વિષયો ભગવદ ગીતા, રામાયણ અથવા મહાભારત અથવા બીજે ક્યાંય પણ હોઈ શકે છે. હાલમાં તે અંગે નિર્ણય લેવાનો બાકી છે.