અમદાવાદઃ શહેરના પૂર્વ વિસ્તારમાં આવેલી કે.કા.શાસ્ત્રી કોલેજમાં સ્થાનિક વિદ્યાર્થીઓને ઓનલાઇનની જગ્યાએ ઓફલાઇન એડમિશન આપવા માટે વાલી મંડળ દ્વારા વિરોધ કરવામાં આવ્યો હતો.વાલી મંડળનો આક્ષેપ છે કે ઓનલાઇન પ્રક્રિયામાં સ્થાનિક વિદ્યાર્થીઓ પ્રવેશથી વંચિત રહી જશે. શહેરના પૂર્વ વિસ્તારમાં આર્ટ્સ-કોમર્સની કોલેજોની સંખ્યા પશ્વિમ જેટલી નથી. એટલે આ વિસ્તારના સ્થાનિક વિદ્યાર્થીઓને પોતાના ઘરની નજીકની કોલેજમાં પ્રવેશ મળે તેવી માગ ઊઠી છે.
ગુજરાત યુનિવર્સિટી સંલગ્ન કોલેજોમાં હાલ ઓનલાઈન પ્રવેશ પ્રકિયા ચાલી રહી છે. જેમાં શહેરના પૂર્વ વિસ્તારમાં આવેલી કે.કા.શાસ્ત્રી કોલેજનો પણ સમાવેશ થાય છે. જેનો વાલી મંડળ વિરોધ કર્યો છે.કોલેજ બહાર બેનર સાથે વાલીમંડળના કાર્યકરોએ સૂત્રોચ્ચાર કર્યા હતા.કોલેજમાં સ્થાનિક વિદ્યાર્થીઓને પ્રવેશ અપાવવા માટે માંગણી કરી હતી. ઉપરાંત કોલેજમાંથી ઓનલાઇન પ્રવેશ પ્રક્રિયા હટાવી ઓફલાઇન પ્રવેશ પ્રક્રિયા શરૂ કરવા માંગ કરી હતી.વિરોધ કરી રહેલા વાલી મંડળના કાર્યકરોની પોલીસ દ્વારા અટકાયત કરવામાં આવી હતી.
વિદ્યાર્થી વાલી અધિકાર ગ્રુપના પ્રમુખ જ્યોર્જ ડાયસે જણાવ્યું હતું કે, ઓનલાઇન પ્રવેશ પ્રક્રિયાનો ખર્ચ પૂર્વ વિસ્તારના ગરીબ બાળકોને પોસાય તેમ નથી. ઓનલાઇન પ્રવેશ પ્રક્રિયા ખર્ચાળ છે.બેટી બચાવો અને બેટી પઢાવોની વાત થાય છે તો તેના નેજા હેઠળ કોલેજમાં બપોરે મહિલા માટે વર્ગ શરૂ કરવા જોઈએ.કોલેજને અમે અગાઉ પણ રજૂઆત કરી હતી ત્યારે ફરીથી વિરોધ સાથે રજૂઆત કરી છે. શહેરના પૂર્વના વિદ્યાર્થીઓને પશ્વિમ વિસ્તારની દુરની કોલેજોમાં પ્રવેશ મળે તો વિદ્યાર્થીઓને વધુ મુશ્કેલી પડશે. એટલે જે વિસ્તારના વિદ્યાર્થીઓ હોય તેમને તેના વિસ્તારની કોલેજમાં પ્રવેશ આપવો જોઈએ.