Site icon Revoi.in

કોરોનાને પગલે પોર્ટેબલ ઓક્સિજન સિલિન્ડરની માગમાં ચાર ગણો વધારો

Social Share

મુંબઈઃ ભારતમાં કોરોના મહામારીને પગલે હોસ્પિટલો હાઉસફુલ થઈ ગઈ છે. તેમજ ઓક્સિજન સહિતની મેડિકલ વસ્તુઓની ભારે અછત ઉભી થઈ છે. દરમિયાન મેડિકલ ટ્રીટમેન્ટમાં વપરાશમાં લેવાતા પોર્ટેબલ ઓક્સીજન સિલિન્ડરની ઓનલાઈન માંગમાં ચાર ગણો વધારો જોવા મળ્યો છે. ઓનલાઈન માંગમાં એકધારો વધારો થતા તેની કિંમતમાં પણ 2૦થી 3૦ ટકાનો વધારો થયો છે. એપ્રિલ માસ દરમિયાન ઓનલાઈન તેમજ ઓફલાઈન માંગમાં વધારો થતા તમામ ઓનલાઈન પ્લેટફોર્મ પર તેનો સ્ટોક ખલાસ થઈ ગયો છે.

ડીલર્સોના જણાવ્યા મુજબ હાલ પોર્ટેબલ સિલિન્ડરની ડિલીવરી માટે 10થી 15 દિવસનો વેઈટિંગ પીરિયડ ચાલી રહ્યો છે. જે લોકો હોમ ક્વોરન્ટાઈન હોય અને થોડી તબિયત બગડે તો આ સિલન્ડર કામમાં આવે છે. સ્ટોક ખલાસ થઈ જવાના કારણે છેલ્લા ચારેક દિવસથી ડિલીવરી થતી નથી. નવા ઓર્ડર લેવામાં આવે છે પણ 1૦થી 15 દિવસની મહેતલ ડિલીવરી માટે અપાય છે.

આ પ્રકારના એક સિલિન્ડરની મિનીમમ કિંમત રૂ. 5 હજાર જેટલી છે. આ સિલિન્ડર 2.7 કિલો, 3.4 કિલો, 4.9 કિલો અને 13.5 કિલોની ક્ષમતા ધરાવતા હોય છે. ક્ષમતા પ્રમાણે તે વપરાશમાં લઈ શકાય છે. જો કે, કોરોનાને પગલે પોર્ટેબલ ઓક્સિજન સિલિન્ડરની ભારે માંગ ઉઠી છે. આ માંગને પહોંચી વળવા માટે ઉત્પાદન વધારવાનું પણ શરૂ કરવામાં આવ્યું હોવાનું જાણવા મળે છે. જેથી જરૂરીયાતમંદોને સરળતાથી મળી શકે.