Site icon Revoi.in

નવા શૈક્ષણિક સત્રથી સ્વનિર્ભર શાળાઓ ફી વધારવા અને વાલીઓની રાહત આપવાની માંગણી

Social Share

અમદાવાદ : રાજ્યમાં કોરોનાના સંક્રમમને લીદો સૌથી વધુ અસર શિક્ષણ ક્ષેત્રને થઈ છે. 2021માં જુન માસના મધ્યાન્હથી શિક્ષણનું નવું સત્ર શરૂ થશે. જોકે આ વખતે પ્રત્યક્ષ વર્ગખંડ શિક્ષણ શરૂ કરાશે કે ઓનલાઈન શિક્ષણથી ગાડું ગબડાવવું પડશે તે અસમંજસ વચ્ચે ખાનગી શાળામાં ફીનું માળખું કઈ રીતે ગોઠવવું તે યક્ષ પ્રશ્ન ઉભો થઈ રહ્યો છે. કોરોનાની લહેરો વચ્ચે ખાનગી શાળાની ફી મામલે શાળા સંચાલકો, વાલીઓ અને સરકાર વચ્ચે સુનામી ઉઠે તેવા ભણકારા વાગી રહ્યા છે.

સૂત્રોના જણાવ્યા મુજબ ગત વર્ષે રાજ્ય સરકારે ફીમાં 25 ટકા રાહત આપી હતી. તેમાંથી પણ ઘણા વાલીની ફી હજુ સુધી ચુકવાઈ ન હોવાના દાવા વચ્ચે આ વર્ષે ખાનગી શાળાના સંચાલકો પૂરેપૂરી અથવા ફી વધારો કરવાના મુડમાં છે, બીજી તરફ વાલી મંડળ આ વર્ષે ફીમાં ઓછામાં ઓછી 50 ટકા રાહતની અપેક્ષા રાખી રહ્યું છે. સરકાર હજુ આ મામલે કશું કહી શકે એવી સ્થિતિમાં નથી. ગત વર્ષે કોરોના મહામારીની પહેલી લહેર ઉઠી અને શિક્ષણ જગતની વ્યવસ્થા તહેસનહેસ કરી નાંખી. એ ગાડી હજુ પાટે નથી ચડી ત્યાં બીજી લહેર વધુ આક્રમક બનીને ત્રાટકી અને આ વખતે મોટી સંખ્યામાં યુવાનોને ઝપટે ચઢાવ્યા.

આ કારણે હાઈસ્કૂલમાં અધકચરું શરૂ થયેલું શિક્ષણ ફરીથી બંધ કરવું પડયું. સૌથી મોટી અસર એ થઈ કે ઈતિહાસમાં પહેલી વખત ધોરણ 10માં ગુજરાત બોર્ડે માસ પ્રમોશન આપવું પડયું. ગત વર્ષે ખાનગી શાળાઓની ફી મામલે શાળા સંચાલકો અને વાલીઓ સામસામે આવી ગયા હતા. કોરોનાની બીજી લહેરના વળતા પાણી થયા છે અને ત્રીજી લહેર આવવાની સંભાવના વ્યક્ત કરાઈ રહી છે. ત્રીજી લહેરમાં બાળકો ટાર્ગેટ બનશે તેવી ભીતિ વ્યક્ત થઈ રહી છે. ત્યારે જૂન 2021માં ફી મામલે અત્યારથી જ સમીકરણો ઉભા થઈ રહ્યા છે.

ફી નિર્ધારણ સમિતિના સૌરાષ્ટ્ર ઝોનના સભ્યએ જણાવ્યું હતું કે સૌરાષ્ટ્રમાં કેજીથી ધો. 12 સુધીનો અભ્યાસ કરાવતી 6 હજાર જેટલી ખાનગી સ્કૂલ છે. તેમાંથી 5300 જેટલી શાળાઓ એફિડેવીટ કરતી હોય છે, એટલે કે તેઓ સરકારી ધોરણે જ ફી લેતી હોવાની ખાતરી આપે છે. જ્યારે 700 જેટલી શાળાઓ ફી વધારો મંજુર કરી આપવાની દરખાસ્ત કરતી હોય છે. આ પ્રક્રિયા પૂરી કરવાની મુદ્ત 31મી મે સુધીની છે. ત્યાં સુધી સ્થિતિ સ્પષ્ટ થઈ શકશે નહીં.

એક શાળા સંચાલક તરીકે તેમણે જણાવ્યું હતું કે ગત વર્ષે સતત 3 મહિના લોકડાઉન રહ્યું હતું, આ વર્ષે ઘણા બધા વેપાર-ધંધા ચાલુ છે. આંશિક લોકડાઉન છે. જો આ વર્ષે શાળાઓને પૂરી ફી નહીં મળે તો ઘણી ખાનગી શાળાઓ કાયમને માટે બંધ થઈ જાય તેવી સ્થિતિ ઉભી થશે. રાજકોટ સ્વનિર્ભર શાળા સંચાલકોના કહેવા મુજબ  આ વર્ષે પૂરી એટલે કે 100 ટકા ફી લીધા વગર શાળાઓ ટકી શકશે નહીં. ગુજરાતની શાળાઓમાં 6 લાખ જેટલા શિક્ષકો ફરજ બજાવે છે. તેમને પૂરો પગાર ચુકવવાની જવાબદારી છે. ગત વર્ષે હજુ 50 ટકા વાલીઓએ ફી નથી ચુકવી. આ વર્ષે ઘણી ખાનગી શાળાઓ 8થી 10 ટકા અને કેટલીક 15 ટકા સુધી ફી વધારો માગી શકે એવી સંભાવના છે.

શાળામાં ભણતા બાળકોના વાલી રાહુલભાઈ દવેએ જણાવ્યું હતું કે આ વર્ષે પેટ્રોલ-ડીઝલમાં ભાવ ખૂબ વધ્યા છે, સીંગતેલના ભાવ પણ અસહ્ય બન્યા છે, મોંઘવારી દરેકને નડી રહી છે. એક વાલી તરીકે મારું માનવું છે કે કોરોનાની મહામારીના આ સમયમાં બધાની સ્થિતિ સરખી નથી ત્યારે શાળાઓએ નફાવૃત્તિ છોડી નહીં નફો નહીં નુકસાનના ધોરણે ફી લેવી જોઈએ. વિવિધ હેડની નીચે વધુ ફી લેવાની વૃત્તિ છોડી દેવી જોઈએ. ફી વધારો મંજુર નથી. બીજી બાજુ વાલીઓ કહી રહ્યા છે કે, 14 મહિના સુધી શાળાઓ ચાલુ થઈ નથી. વિદ્યાર્થીઓ ભણ્યા નથી. ગયા વર્ષે રાજ્ય સરકારે 25 ટકા ફી માફી આપી પરોક્ષ રીતે 75 ટકા ફી ઉઘરાવવાની છૂટ આપી દીધી હતી. આ વર્ષે વાલીઓને ફીમાં 50 ટકા રાહત આપવી જોઈએ. શાળાના સ્ટાફનો પગાર વગેરે ચુકવવા માટે સરકાર રાહત પેકેજ જાહેર કરે, અને સરકારી ધોરણે તે રકમ ચુકવે તેવી માગણી છે.