Site icon Revoi.in

કચ્છની કેસર કેરીની માગ વધીઃ અંજાર માર્કેટમાં દૈનિક 60 હજાર બોક્સ કેરીનું વેચાણ

Social Share

ભૂજ :  સમગ્ર કચ્છમાં બાગાયતી ઉત્પાદનમાં અગ્રેસર એવી કેસર કેરીનો દબદબો હજુ પણ ભારે માંગને કારણે જળવાઇ રહ્યો છે. સૌરાષ્ટ્ર-ગુજરાતમાં તોફાની વાવાઝોડાં વરસાદને કારણે પાકને ભારે નુકસાનીને પગલે કચ્છમાં થોડી માત્રામાં જ નુકસાનીને કારણે કેસર કેરીની ધારણા પ્રમાણે મોટા જથ્થામાં ઉત્પાદન થતાં કચ્છના ખેડૂતો-વેપારીઓને મોટો ફાયદો થયો છે. દેશભરમાં પોતાના સ્વાદ અને સુગંધથી પ્રખ્યાત અને આગવી ઓળખ ધરાવતી કચ્છની કેસર કેરીઓનું બજારમાં વિધિવત રીતે આગમન થઇ ગયેલું છે ત્યારે સમગ્ર કચ્છમાં ખેતપેદાશોના ખરીદ-વેચાણનું મોટું નામ ધરાવતા અંજાર શહેર મધ્યે આ સિઝનની અત્યાર સુધીની સંભવત: સૌથી વિશાળ મેંગો માર્કેટનું 10 એકરથી વિશાળ જગ્યામાં નિર્માણ કરાયું છે. મેંગો માર્કેટમાં કરાતી હરાજીમાં દરરોજની કાચી-પાકી કેસર કેરીના 50થી 60 હજારથી વધુ બોક્ષનું ખરીદ-વેચાણ કરાઇ રહ્યું છે.

કચ્છની પ્રખ્યાત કેસર કેરીનો આ જથ્થો સમગ્ર દેશના વિવિધ વિસ્તારમાં પહોંચી રહ્યો છે. વિશાળ મેંગો માર્કેટના આયોજકોએ જણાવ્યું હતું કે, આ સિઝનમાં વિશાળ જગ્યામાં મેંગો માર્કેટના આયોજનથી જાહેરમાં વિશાળ લોકોની હાજરીમાં થતી હરરાજીની પ્રક્રિયા સરળતાથી કરી શકાય છે. અહીં માલનું વેચાણ કરવા આવતા ખેડૂતો પાસેથી માત્ર બોક્ષ દીઠ એક રૂપિયો મજૂરી જ વસૂલ કરાતી હોવાથી ખેડૂતોને પણ ખૂબ જ ફાયદો થતો હોય છે. વાવાઝોડાંથી કુદરતી રીતે કચ્છની કેસર કેરીનો પાક બચી જતાં કચ્છના ખેડૂતોને ખૂબ જ ફાયદો થયેલ છે. હાલમાં કચ્છની કેસર કેરીની ભારે માંગ વચ્ચે પાકી સારી ક્વોલિટીના કેસર આંબા 50થી 70 તેમજ કાચા આંબા 50થી 80 રૂા. ક્વોલિટી મુજબ ભાવથી વેચાય છે. કચ્છની કેસર કેરીની મહારાષ્ટ્ર, રાજસ્થાન, દિલ્હી, સમગ્ર ગુજરાતમાં ભારે માંગ રહે છે.

કચ્છની કેસર કેરીનું સૌથી વધુ વેચાણ ધરાવતું આ માર્કેટમાં સમગ્ર કચ્છના ગ્રામ્ય વિસ્તારોમાંથી મોટી માત્રામાં અહીં માલ વેચાણ માટે આવે છે. અહીંથી દરરોજ હજારોની સંખ્યામાં લોકોમાં માલ વેચાણ થતો હોવાથી નાના મજૂરો, શ્રમજીવીઓ, ખેડૂત, વેપારીઓ સૌને સારો ફાયદો થતો હોય છે. કેસર કેરીની સાથે કચ્છમાં થતા કેરીની અન્ય જાતો રાજાપુરી, તોતા મલગોળો, લંગડો, બદામ, દેશી કેરીઓની પણ સારી માંગ રહે છે. આ મેંગો માર્કેટમાં કેસર કેરીની આવક મુખ્યત્વે અંજાર તાલુકાના નાગલપર, ખંભરા, ચંદિયા, ખેડોઇ, પાંતિયા, લોહારિયા જેવા ગામોમાંથી થાય છે. જ્યારે કચ્છના કેસર કેરીના ઉત્પાદનમાં નામના ધરાવતા નખત્રાણા, ભુજપુર, નારાણપર, માધાપર વિગેરે પંથકમાંથી મોટી માત્રામાં કેસર કેરી અહીં ઠલવાય છે. કચ્છની કેસર કેરીનો સ્વાદ અને તેની મહેક અન્ય આંબાઓની જાતના પ્રમાણમાં વિશિષ્ટ માનવામાં આવે છે અને આજ કારણસર તેની માંગ સૌથી વધુ હોવાનું વેપારી જણાવે છે.