અમદાવાદઃ ગુજરાત સરકારે તેના ફિક્સ પગારના કર્મચારીઓને પગારમાં વધારો કરીને દિવાળીની ભેટ આપી છે. ત્યારે રાજ્યની જુદી જુદી સરકારી કચેરીઓમાં કરાર આધારિત નોકરી કરતા કર્મચારીઓએ પણ વેતન વધારાની માગણી કરી છે.
ગુજરાત સરકારની કચેરીઓમાં ફરજ બજાવતા કરાર આધારિત અંદાજે 1.50 લાખ કર્મચારીઓના માસિક વેતનમાં વધારો નહી કરીને અન્યાય કરવામાં આવ્યો હોવાની કર્મચારીઓ લાગણી અનુભવી રહ્યા છે. આથી મોંઘવારીને ધ્યાનમાં રાખીને ફિક્સ પગારી કર્મચારીઓની જેમ જ કરાર આધારિત કર્મચારીઓના માસિક વેતનમાં વધારો કરવામાં આવે તેવી માંગ ઊઠી છે. રાજ્ય સરકારે તાજેતરમાં તેના ફિક્સ પગારી કર્મચારીઓના માસિક વેતનમાં 30 ટકાનો વધારો કર્યો છે. પરંતુ ફિક્સ પગારી ભરતી પદ્ધતિ બંધ કરવાનો કોઇ જ નિર્ણય લેવામાં આવ્યો નથી. બીજીબાજુ રાજ્યની સરકારી કચેરીઓ જેવી કે, શિક્ષણ, આરોગ્ય, ગૃહ, ડીઆરડી સહિતના વિવિધ વિભાગોની કચેરીઓમાં ફરજ બજાવતા કરાર આધારિત કર્મચારીઓના માસિક વેતનમાં કોઇ જ પ્રકારનો વધારો કરવામાં આવ્યો નથી. વર્ષોથી પગાર વધારાની રજુઆત કરવા છતાં રાજ્ય સરકાર દ્વારા કોઇ જ નક્કર નિર્ણય લેવામાં આવ્યો નથી. રાજ્ય સરકાર દ્વારા કરાર આધારિત કર્મચારીઓની ભરતી વખતે નિયત કરેલી લાયકાત ધરાવતા ઉમેદવારોની પસંદગી કરવામાં આવે છે.તેમ છતાં તેમના માસિક વેતનમાં કોઇ જ વધારો કરવામાં આવ્યો નથી. કરાર આધારિત કર્મચારીઓને નિયમિત પગાર થાય તે માટે પણ કોઇ જ પગલાં લેવામાં નહી આવતા શોષણનો ભોગ બની રહ્યા હોવાનો કર્મચારીઓએ આક્ષેપ કર્યો છે. છેલ્લા 15થી 20 વર્ષથી કર્મચારીઓ કરાર આધારિત સેવાઓ આપી રહ્યા હોવા છતાં તેઓના વેતનમાં કોઇ જ પ્રકારનો વધારો કરવામાં નહી કરાતા અસંતોષ જોવા મળી રહ્યો છે. (file photo)