Site icon Revoi.in

સરકારી અને ગ્રાન્ટેડ શાળાઓને જ જ્ઞાનસેતુની મંજુરી આપવા શૈક્ષણિક સંઘ સંકલન સમિતિની માગ

Social Share

ગાંધીનગરઃ  ગુજરાતમાં જ્ઞાનશક્તિ ડે સ્કૂલોની મંજૂરી માટે શાળા સંચાલકો દ્વારા મથામણ ચાલી રહી છે. હાલ સરકારે જ્ઞાનશક્તિ ડે સ્કૂલોની મંજૂરી માટેની અરજીના સમયમાં વધારો કર્યો છે. ત્યારે રાજ્યમાં ગ્રાન્ટેડ અને સરકારી શાળાઓને પણ જ્ઞાનશક્તિ ડે સ્કૂલોની મંજૂરી આપવાની માગ ઊઠી છે. ગ્રાન્ટેડ શાળાઓને ટકાવી રાખવા તથા ગ્રાન્ટેડ શાળાઓને સુસજ્જ બનાવવા માટે કેટલાક પ્રશ્નો બાબતે ગુજરાત રાજ્ય શૈક્ષણિક સંઘ સંકલન સમિતિએ શિક્ષણ મંત્રી ડો. કુબેર ડીંડોર સમક્ષ રજૂઆત કરી  હતી કે, જ્ઞાન શક્તિ રેસિડેન્શિયલ સ્કૂલ માટે જે 2000 વિદ્યાર્થીઓની મર્યાદા છે તેના ચાર ભાગ કરી 500-500 વિદ્યાર્થીઓની સ્કૂલો આપવી અને તેમાં 2 બોયઝ અને 2 સ્કૂલ ગર્લ્સ અલગ અલગ રાખવી તેમજ કોઇ એક જ કેમ્પસમાં 2000 વિદ્યાર્થીઓને રહેવા જમવાની સુવિધા મુશ્કેલ હોય છે. જ્ઞાનશક્તિ ડે સ્કૂલોની મંજૂરી સરકારી શાળાઓમાં આપવી અથવા સરકારે જાતે કરવી અને જરૂરિયાત જણાય તો ગ્રાન્ટેડ શાળાઓ કે જેઓનું પરિણામ 70 ટકાથી વધુ આવતું હોય તેવી શાળાઓની પસંદગી કરવી જાઈએ.

ગુજરાત રાજ્ય શૈક્ષણિક સંઘ સંકલન સમિતિએ એવી રજુઆત પણ કરી હતી કે, રાજ્યની શાળાઓમાં ફીના માળખામાં રહેલી વિસંગગતા જેમ કે આરટીઇ અંતર્ગત ફી રૂ.13 હજાર, એફઆરસી અંતર્ગત ફી રૂ.15 હજાર અને જ્ઞાનસેતુ અંતર્ગત ફી રૂ.22,500 નિર્ધારિત કરવામાં આવી છે. તે ફીની વિસંગતતા દુર કરી તમામ પ્રકારની શાળાઓમાં ફીનું ધોરણ એક સમાન રાખી તેમાં પણ દર વર્ષે 7 ટકાનો વધારો આપીને એકસૂત્રતા જળવાઇ રહે તે જરૂરી છે.  ગ્રાન્ટેડ શાળાઓમાં ગ્રામ્ય વિસ્તારમાં વિદ્યાર્થીઓની લઘુત્તમ સંખ્યા 20 અને મહત્તમ 25 તથા શહેરી વિસ્તારમાં લઘુત્તમ સંખ્યા 30 અને મહત્તમ 35 કરવી, ગ્રામ્યમાં વર્ગ વધારા માટે વિદ્યાર્થીની સંખ્યા 25 વત્તા 25 તથા શહેર કક્ષાએ 35 વત્તા 35 કરવી. ગ્રાન્ટેડ શાળાઓમાં નવા સત્ર પહેલા મહેકમ મુજબ ભરતી કરવી. દરેક ગ્રાન્ટેડ શાળાઓમાં ઘણા વર્ષો પહેલા સરકારે કમ્પ્યુટરના સેટ આપેલા પણ હવે તે નિષ્ક્રિય થઇ ગયા છે. તેથી આવી શાળાઓમાં નવી કમ્પ્યૂટર લેબ બનાવી નવા 20 કમ્પ્યુટર આપવા. સાથે કમ્પ્યુટરની ફી 1998માં રૂ.50 હતી તે રૂ.150 કરવી. દરેક વર્ગને સ્માર્ટ ક્લાસ બનાવી આપવા જોઈએ.

આરટીઇના કાયદા મુજબ ધો.1થી 8માં મેરિટના આધારે પ્રવેશ પદ્ધતિ નથી. માત્ર નવોદય વિદ્યાલયોમાં જ પ્રવેશ માટે પરીક્ષાની કાયદામાં જોગવાઇ છે. તેથી જ્ઞાનસેતુ શાળાઓમાં પરીક્ષા યોજી પ્રવેશ આપી શકાય નહી. જો વિદ્યાર્થીઓને પ્રવેશ માટે પરીક્ષા લેવામાં આવે તો તેજસ્વી અને નબળા વિદ્યાર્થીઓ વચ્ચે મોટી ખાઇ ઉભી થઇ શકે છે. આથી આ પદ્ધતિ બદલવી જોઇએ. રક્ષાશક્તિ રેસિડેન્શિયલ સ્કૂલો સામે સંકલન સમિતિએ કોઇ વાંધો દર્શાવ્યો નથી.