અમદાવાદઃ ગુજરાત ટેકનોલોજિકલ યુનિવર્સિટી ( GTU)માં કાયમી પરીક્ષા નિયામક ન હોવાથી યુનિ, સંલગ્ન કોલેજોના સંચાલકોને ભારે મુશ્કેલીનો સામનો કરવા પડી રહ્યો છે. એસોસિએશન ઓફ ગુજરાત એન્જિનિયરિંગ એન્ડ ટેકનોલોજી ડિપ્લોમા કોલેજ દ્વારા જીટીયુના કુલપતિને પત્ર લખીને જીટીયુમાં કાયમી પરીક્ષાની નિયામકની નિમણૂક કરવા માંગણી કરી છે. આ ઉપરાંત પરીક્ષા ફીથી લઈને પરીક્ષાના પરિણામમાં પણ જાહેર કરવાની લઈને કેટલીક માંગણીઓ કરવામાં આવી છે.
ડિપ્લોમા કોલેજના એસોસિએશન દ્વારા જીટીયુના કુલપતિ પંકજરાય પટેલને પત્ર લખીને એવી રજુઆત કરવામાં આવી છે કે, ગુજરાત ટેકનોલોજિકલ યુનિવર્સિટીમાં વિદ્યાર્થીઓ તથા સંસ્થાના વિવિધ પ્રશ્નો છે. જેવા કે, સમયસર પરિણામ ના આવવું, પરીક્ષા ટાઈમટેબલમાં હંમેશા વિસંગતતા, વિદ્યાર્થીઓની માર્કશીટમાં છબરડા, પેપર કાઢ્યા બાદ તેને ચેક કરવા માટે વ્યવસ્થાનો અભાવ, રિએસેસમેન્ટમાં સમયસર પરિણામ ના આવવું, ફાઇનલ સેમેસ્ટરની માર્કશીટ મોડી આવવી, પરીક્ષા દરમિયાન ઝોનના અધિકારીઓ દ્વારા સંસ્થા સંસ્થા સાથે ઉધતાઈ ભર્યું વ્યવહાર, 100થી ઓછા વિદ્યાર્થીઓ હોય તેવી સંસ્થાઓનું પરીક્ષા કેન્દ્ર રદ કરવું સહિતની અનેક સમસ્યા છે. આ ઉપરાંત જીટીયુમાં પરીક્ષા નિયામકની નિમણૂક કાયમી કરવામાં આવતી નથી. જેના કારણે આ પ્રકારની સમસ્યાઓનો સામનો કરવો પડે છે. થોડા સમય અગાઉ પરીક્ષા નિયામક ઉપર કરોડો રૂપિયાના ભ્રષ્ટાચારનો આરોપ હતો. જેમાં તપાસ કર્યા વિના પરીક્ષા નિયામક તરીકેની તેમને તક આપવામાં આવી છે. જેથી કાયમી પરીક્ષા નિયામકની નિમણૂક કરવામાં આવે.
એસો દ્વારા એવી પણ રજુઆત કરવામાં આવી હતી કે, જીટીયુમાં વિદ્યાર્થીઓ પાસે પરીક્ષા તથા અન્ય ફી મારફતે કરોડો રૂપિયાની ઉઘરાણી કરવામાં આવે છે. વિદ્યાર્થીઓની સંખ્યા 5 હોય કે 500 હોય. પરંતુ પરીક્ષા કેન્દ્ર સંસ્થામાં જ આપવું જો બીજે કેન્દ્ર આપવું હોય તો વિદ્યાર્થીઓને ટ્રાવેલ્સ ભથ્થું આપવામાં આવે, પરીક્ષા પૂરી થયા બાદ એક મહિનામાં પરિણામ જાહેર કરવામાં આવે, ફાઈનલ સેમેસ્ટરના પરિણામ બાદ 15 દિવસમાં વિદ્યાર્થીઓને માર્કશીટ મળી જાય, પેપર કાઢ્યા બાદ પેપરને મોડરેટરની વ્યવસ્થા કરવામાં આવે, રિ-ચેકિંગ પરિણામ સમયસર આપવામાં, આવેલ ટર્મ શરૂ થનાર અને પરીક્ષાની તારીખોની જાહેરાત શરૂ થાય તે પહેલા કરવામાં આવે. આમ આ સમસ્યાઓનું નિરાકરણ કરવામાં આવે તેમ કરવામાં નહીં આવે તો આગામી દિવસમાં જીટીયુ સાથે જોડાયેલી કોલેજો દરેક કામનો બહિષ્કાર કરશે.