Site icon Revoi.in

ગુજરાતમાં વરસાદ ખેંચાતા ખરીફ પાકને બચાવવા કેનાલોમાં પાણી છોડવા ખેડુતોની માગ

Social Share

અમદાવાદઃ  ગુજરાતમાં જુન-જુલાઈ મહિનામાં સારો વરસાદ પડ્યા બાદ ઓગસ્ટમાં વરસાદ ખેંચાયો છે. સાકા વરસાદને કારણે આ વખતે ખરીફ પાકના વાવેતરમાં પણ વધારો નોંધાયો હતો. હાલ મોલાતને પાણીની જરૂર છે. ત્યારે જ વરસાદ ખેંચાતા ખેડુતો હાલ બોર-કૂવામાંથી પાણી મેળવીને સિંચાઈ કરી રહ્યા છે. દરમિયાન જે વિસ્તારોમાં કેનાલની સુવિધા છે. તે વિસ્તારોમાં કેનાલોમાં પાણી છોડવાની માગ પણ થઈ રહી છે. જે કો કેટલાક વિસ્તારોમાં કેનાલોમાં પાણી છોડવામાં આવી રહ્યું છે.

ગુજરાતમાં સરેરાશ 28 ઈંચ સાથે મોસમનો 80 ટકા વરસાદ વરસી ચૂક્યો છે. જૂન-જુલાઈમાં સારા વરસાદ બાદ ઓગસ્ટ મહિનામાં વરસાદ ખેંચાયો છે. ઓગસ્ટમાં સરેરાશ  પોણો ઈંચ વરસાદ પણ પડ્યો નથી. જૂન જુલાઇમાં સારો વરસાદ પડ્યો હોવાથી પાણીની અછત જોવા મળતી નથી. પરંતુ ખેડૂતોને પિયત માટે સિંચાઈનું પાણી બોર-કૂવામાંથી મેળવવું પડે છે. ત્યારે જે વિસ્તારોમાં કેનાલો છે. ત્યારે કેનાલોમાં પાણી છોડવાની માગ ઊઠી છે.

ગુજરાતમાં  25 ઓગસ્ટ સુધીમાં કૂલ સરેરાશ 28 ઈંચ સાથે 81 ટકા વરસાદ નોંધાયો છે. પરંતુ હજુ વરસાદની ઘટ છે. બિપરજોય વાવાઝોડા બાદ વરસાદે રાજ્યને ધમરોળવાનું શરૂ કર્યું હતું અને કાયમ કોરા ધાકોર રહેતા કચ્છમાં જળબંબાકારની સ્થિતિ સર્જી નાંખી હતી. સૌરાષ્ટ્રમાં પણ વરસાદે સદી ફટકારી છે. સૌરાષ્ટ્રમાં કૂલ 110 ટકા વરસાદ નોંધાયો છે. જ્યારે દક્ષિણ ગુજરાતમાં 73.30 ટકા વરસાદ થયો છે. ઉત્તર ગુજરાત અને મધ્ય ગુજરાતમાં વરસાદની ખોટ વર્તાઈ છે. ઉત્તર ગુજરાતમાં 67.71 અને મધ્ય ગુજરાતમાં 65.95 ટકા જ વરસાદ થયો છે. જો હજુ વરસાદ ખેંચાશે તો ખેડૂતોની હાલત કફોડી થશે. રાજ્યના જળાશયોમાં પુરતો પાણીનો જથ્થો છે પણ પીવાના પાણીને બાદ કરતાં સિંચાઈ માટે કેટલું પાણી મળશે એ તો સરકાર જ નક્કી કરશે.

રાજ્યના સિંચાઈ વિભાગના સૂત્રોના કહેવા મુજબ રાજ્યના ઉત્તર ગુજરાતના 15 જળાશયોમાં 74.11, મધ્ય ગુજરાતના 17 જળાશયોમાં 49.17, દક્ષિણ ગુજરાતના 13 જળાશયોમાં 77.96, કચ્છના 20 જળાશયોમાં 64.12 અને સૌરાષ્ટ્રના 141 જળાશયોમાં 83.63 ટકા પાણીનો જથ્થો ઉપલબ્ધ છે. સરદાર સરોવરની વાત કરીએ તો હાલ ડેમમાં 79.47 ટકા પાણીનો જથ્થો છે. રાજ્યના 207 જળાશયોમાં 75.97 ટકા પાણીનો જથ્થો છે. ઓગસ્ટમાં વરસાદ ખેંચાયો હોવા છતાં 90 ટકાથી વધુ ભરાયેલા 93 જળાશયો હાઈ એલર્ટ પર છે. જ્યારે 80 ટકાથી વધુ ભરાયેલા 26 જળાશયો એલર્ટ પર છે. તે ઉપરાંત 70 ટકાથી વધુ ભરાયેલા 14 જળાશયો વોર્નિંગ પર છે. જ્યારે 73 જળાશયોમાં 70 ટકાથી ઓછું પાણી છે.

ગુજરાતના હવામાન શાસ્ત્રી અંબાલાલ પટેલ દ્વારા વધુ એક  આગાહી કરવામાં આવી છે. ગુજરાતમાં ચોમાસામાં ઉનાળા જેવો અહેસાસ થવાના એંધાણ સર્જાઈ રહ્યા છે. સપ્ટેમ્બરમાં ઉનાળા જેવી ગરમી પડવાની આગાહી કરવામાં આવી છે. અંબાલાલ પટેલના કહેવા મુજબ 23મી સપ્ટેમ્બરથી સખત ગરમી પડવાની શરૂઆત થશે. હજુ સુધી રાજ્યમાં વરસાદી સિસ્ટમ ઉદ્દભવી ન હોવાથી આગામી દિવસોમાં પણ મેઘરાજા આરામના મૂડમાં જ રહેવાના છે. રાજ્યમાં વરસાદી ઝાપટા જેવો છૂટોછવાયો વરસાદ પડી શકે છે. આ સિવાય હજુ પણ ક્યાંય ભારે વરસાદની આગાહી કરવામાં આવી નથી.