સરકાર અને મ્યુનિ.ના વિવિધ કામોમાં 40 ટકા ભાવ વધારો કરી આપવા સરકારી કોન્ટ્રાક્ટરોની માગ
અમદાવાદઃ પેટ્રોલ-ડીઝલના ભાવમાં વધારાને લીધે તમામ ચિજ-વસ્તુઓના બાવમાં પણ તોતિંગ વધારો થયો હતો. જેની અસર અસર બાંધકામ ક્ષેત્ર સાથે સંકળાયેલા કોન્ટ્રાક્ટરો ઉપર પડી છે. સ્ટીલ, સિમેન્ટ, ડામર, રેતી, કપચી, ઇંટો, ટ્રાન્સપોર્ટેશનના ભાવમાં 30થી 40 ટકા ભાવ વધારો થતાં ગુજરાત કોન્ટ્રાક્ટર્સ એસોસિએશનની મીટિંગમાં સરકારી કામોમાં 40 ટકા વધારો આપવા માટે ઠરાવ કરાયો હતો. મીટિંગમાં રાજ્યના 200થી વધારે સભ્યો હાજર રહ્યા હતા. ચર્ચા-વિચારણા અંતે સરકારી કામો મંજૂર થયેલા ટેન્ડરના ભાવથી પૂરા કરવા અશક્ય હોવાથી મીટિંગમાં સર્વાનુમતે રાજ્ય સરકારને આવેદનપત્ર આપવામાં આવ્યું હતું.
ગુજરાત કોન્ટ્રાકટર્સ એસોસિએશનના સૂત્રોએ જણાવ્યું હતું કે, રાજ્ય સરકાર અને મ્યુનિ.કોર્પોરેશનના વિવિધ પ્રોજેક્ટની કામગીરી કરતાં સરકારી કોન્ટ્રાક્ટરો બાંધકામ ક્ષેત્રે વપરાતા મટિરિયલ વગેરેમાં કૂદકે-ભૂસકે વધતા ભાવ વધારાથી હાલત કફોડી બની છે. આ ભાવે કામ કરવું પોસાય તેમ નથી. હાલમાં રાજ્ય સરકાર અને મ્યુનિ.કોર્પોરેશન દ્ધારા આરબીઆઇ ઇન્ડેક્સ મુજબ ભાવ વધારો ચૂકવવામાં આવે છે. જે માર્કેટેબલ ભાવ કરતા ઘણો જ ઓછો હોય છે.
સૂત્રોએ ઉમેર્યું હતું કે, એસો.ની બેઠકમાં એવો નિર્ણય લેવામાં આવ્યો હતો કે,,કોન્ટ્રાકટરોના જે સ્ટેજે કામ ફાઇનલ થયા હોય તે સ્ટેજે બિલ કરી કામમાંથી મુક્ત કરવા તેમજ સરકાર દ્વારા 15 દિવસમાં સ્વીકારવામાં ન આવે તો ગુજરાત રાજ્યના જાહેર બાંધકામને લગતા તમામ પ્રકારના નવા કામોના ટેન્ડરો ભરવાના બંધ કરવા અને ટેન્ડર ભરવાની ડિજિટલ કી જિલ્લા પ્રમુખોને સોંપી દેવામાં આવશે.