ગાંધીનગરઃ જિલ્લામાં રવી સીઝનના વાવેતરની શરૂઆત થઈ ગઈ છે. રવી પાકને પાણી મળી રહે તે માટે સુજલામ સુફલામ યોજના અંતર્ગત પાણી આપીને તળાવો ભરવામાં આવે તેવી માંગણી સાથે ભારતીય કિસાન સંઘના જિલ્લા એકમે આવેદનપત્ર આપ્યું હતું. જો પાણી આપવામાં નહી આવે તો ગાંધી ચિંધ્યા માર્ગે આંદોલનની ગાંધીનગર જિલ્લા ભારતીય કિસાન સંઘે ચીમકી પણ ઉચ્ચારી છે.
ગાંધીનગર જિલ્લામાં આ વર્ષે ચોમાસું નબળું રહેવાથી ખરીફ પાકના ઉત્પાદન ઉપર અસર પડી છે. જોકે હાલમાં ખરીફ પાક લેવાની કામગીરી ચાલી રહી છે, જ્યારે ઘણા વિસ્તારોમાં રવી સીઝનના પાકનું વાવેતર શરૂ કરવામાં આવ્યું છે. હાલમાં રાજ્ય સરકાર દ્વારા દસ કલાક વીજ પુરવઠો આપવાની જાહેરાત વચ્ચે વીજ કંપની દ્વારા માંડ બે જ કલાક વીજ સપ્લાય આપવામાં આવી રહ્યો છે. જ્યારે બીજી તરફ રવી સીઝનને ધ્યાનમાં રાખીને સુજલામ સુફલામ યોજના અંતર્ગત પાણી આપીને તળાવો ભરવામાં આવે તેવી માંગણી ગાંધીનગર જિલ્લા ભારતીય કિસાન સંઘના પ્રમુખ ગાભુભાઇ પટેલ દ્વારા કરાઈ હતી.
તેમ છતાં સુજલામ સુફલામ યોજના અંતર્ગત તળાવો ભરાયા નહી. જોકે જિલ્લામાં રવિ સીઝનનું વાવેતર શરૂ થઈ ગયુ છે.ત્યારે સુજલામ સુફલામ યોજના અંતર્ગત પાણી આપીને તળાવો ભરવામાં આવે તો ખેતી માટે પુરતું પાણી મળી શકે. જો આગામી 1લી, નવેમ્બર સુધીમાં સુજલામ સુફલામ યોજના અંતર્ગત પાણી આપવામાં નહી આવે તો ખેડુતો ગાંધીચિંધ્યા માર્ગે આંદોલનનો માર્ગ અપનાવશે. ગાંધીનગર જિલ્લામાં આ વર્ષે સીઝનનો 71.97 ટકા વરસાદ પડ્યો હતો.જેમાં દહેગામમાં સૌથી ઓછો 57 ટકા જ વરસાદ પડ્યો હતો. જિલ્લામાં બોર અને કૂવાના પાણી ઊંડા જતા રહ્યા છે. એટલે સુજલામ-સુફલામ દ્વારા પાણી આપવામાં આવે તેવી માગ ઊઠી છે.
(PHOTO-FILE)