Site icon Revoi.in

ગુજરાતમાં ધો-10 અને 12ના વિદ્યાર્થીઓને માસ પ્રમોશનની વાલીઓની માંગણી

Social Share

અમદાવાદઃ ગુજરાતના કોરોના મહામારીને પગલે ધો-1થી 9 તથા ધો-11ના વિદ્યાર્થીઓને માસ પ્રમોશન આપવામાં આવ્યું છે. જ્યારે ધો-10 અને 12ની બોર્ડની પરીક્ષા પણ મુલત્વી રાખવામાં આવી છે. બોર્ડની પરીક્ષા અંગે આગામી દિવસોમાં શિક્ષણ વિભાગ દ્વારા નિર્ણય લેવામાં આવશે. દરમિયાન વાલીઓ દ્વારા ધો-10 અને 12ના વિદ્યાર્થીઓને માસ પ્રમોશન આપવાની માંગણી કરવામાં આવી રહી છે. દરમિયાન રાજકોટ શહેર-જિલ્લા વાલી મહામંડળ દ્વારા આ અંગે જિલ્લા શિક્ષણાધિકારી મારફતે રાજયના શિક્ષણમંત્રીને આવેદન પત્ર પાઠવી રજુઆત કરી છે.

રાજકોટ શહેર-જિલ્લા વાલી મહામંડળના જણાવ્યા અનુસાર ગુજરાત સહિત સમગ્ર દેશમાં કોરોનાનું સંક્રમણ ખૂબ જ વધી ગયેલ છે. શૈક્ષણિક સંસ્થાઓ પણ કોરોનાના સંક્રમણને કારણે બંધ કરવામાં આવી છે. રાજયમાં પણ શૈક્ષણિક સંસ્થાઓમાં માસ પ્રમોશન જાહેર કરવામાં આવ્યું છે. આવી વિપરીત અને ચિંતાજનક પરિસ્થિતિમાં સરકાર અને શિક્ષણ વિભાગ ધો.10 અને 12ની વાર્ષિક પરીક્ષાઓ મુલત્વી રાખે અને તે બંને ધોરણના વિદ્યાર્થીઓને માસ પ્રમોશન આપે તે અત્યારના સંકટ સમયમાં જરૂરી જ નહી પણ અનિવાર્ય છે. અન્ય રાજયોની સરકારે ધો.10 અને 12માં માસ પ્રમોશન આપીને વિદ્યાર્થીઓ અને વાલીઓને ચિંતામુકત કરેલ છે ત્યારે ગુજરાત સરકારે અને શિક્ષણ વિભાગે ધો.10 અને ધો.12ના વિદ્યાર્થીઓને માસ પ્રમોશન આપીને વિદ્યાર્થીઓ અને વાલીઓને ચિંતામુકત કરવા જોઇએ.

ગુજરાતમાં કોરોના મહામારીને પગલે છેલ્લા એકાદ વર્ષથી વિદ્યાર્થીઓને ઓનલાઈન એજ્યુકેશન આપવામાં આવ્યું છે. હાલ સરકાર દ્વારા સ્કૂલમાં વેકેશન જાહેર કરવામાં આવ્યું છે.