ગ્રાન્ટેડ સ્કૂલોમાં ધોરણ 9થી 12માં વર્ગદીઠ સંખ્યાના નિયમમાં ફેરફાર કરવા શાળાસંચાલકોની માગ
અમદાવાદઃ રાજ્યમાં ગ્રાન્ટેડ શાળાઓના સંચાલકો પડતર પ્રશ્નોના ઉકેલ માટે છેલ્લા ઘણા સમયથી લડત ચલાવી રહ્યા છે. રાજ્ય સરકારની ગ્રાન્ટ કાપવાની નીતિને કારણે છેલ્લા વર્ષોમાં 50 ટકા શાળાઓ બંધ થઈ ગઈ છે. સંચાલકોની વારંવારની માગણી બાદ અંતે રાજ્ય સરકારે ગ્રાન્ટેડ શાળાઓમાં ગ્રાન્ટ કાપની નીતિ દુર કરી દીધી છે. હવે ઓછુ પરિણામ આવશે તો પણ શાળાઓની ગ્રાન્ટ કાપવામાં નહીં આવે. સંચાલકોને સરકારના આ નિર્ણયથી ઘણીબધી રાહત થઈ છે. હવે સંચાલકોએ વર્ગદીઠ વિદ્યાર્થીઓની સંખ્યાના નિયમમાં ફેરફાર કરવાની માગ કરી છે. જેમાં શહેરની વિસ્તારમાં વર્ગદીઠ સંખ્યા 25 કરવા તથા ગ્રામ્ય વિસ્તારમાં વર્ગદીઠ 18 કરવા માગ કરી છે.
ગુજરાત શાળા સંચાલક મંડળનાં પ્રમુખે શિક્ષણ સચિવ વિનોદ રાવને પત્ર લખીને જણાવ્યું છે કે, કોરોના સમયે ગ્રાન્ટેડ સ્કૂલોમાં શહેરી વિસ્તારમાં ધોરણ 9થી 12માં એક વર્ગમાં વિદ્યાર્થીઓની ઓછામાં ઓછી સંખ્યા 25 કરવામાં આવી હતી તથા ગ્રામ્યની સ્કૂલોમાં 18 કરવામાં આવી હતી. જે હવે સ્થિતિ સામાન્ય થતાં અગાઉની જેમ શહેરી વિસ્તારમાં 36 અને ગ્રામ્ય વિસ્તારમાં 25 કરવામાં આવી છે. જેના કારણે અનેક ગ્રાન્ટેડ સ્કૂલોનો વર્ગ ભરાતો નથી, જેથી કોરોનાકાળની જેમ શહેરી વિસ્તારમાં 25 અને ગ્રામ્ય વિસ્તારમાં 18 કરવાની માગ કરવામાં આવી છે.
આ અંગે શાળા સંચાલક મંડળના પ્રમુખ ભાસ્કર પટેલે જણાવ્યું હતું કે, કોરોનાકાળ બાદ સ્કૂલોમાં સંખ્યા ઘટી છે. જેથી સ્કૂલોમાં વર્ગદીઠ સંખ્યા ઘટાડવામાં આવે તો ગ્રાન્ટેડ સ્કૂલોના વર્ગ યથાવત રહેશે. ગ્રાન્ટેડ સ્કૂલોનાં અનેક પડતર પ્રશ્નો છે, જેમાંથી આ પ્રશ્નનું નિરાકરણ આવે તો સ્કૂલોને બચાવી શકાશે. અગાઉની જેમ ગ્રાન્ટેડ સ્કૂલોમાં શહેરી વિસ્તારમાં વિદ્યાર્થીઓની સંખ્યા 25 અને ગ્રામ્ય વિસ્તારમાં 18 કરવા માંગ કરી છે. (FILE PHOTO)