અમદાવાદઃ રાજ્ય સરકારના કર્મચારીઓની જેમ શાળાઓમાં પણ મહિનાના બીજા અને ચોથા શનિવારે રજા રાખવા શાળા સંચાલક મંડળે સરકારને વિનંતી કરી છે. રાજ્ય અને કેન્દ્ર સરકારના કર્મચારીઓને બીજા અને ચોથા શનિવારે જાહેર રજા હોય છે. તેથી બાળકોને પણ બીજા અને ચોથા શનિવારની જાહેર રજાનો લાભ આપવો જોઈએ.
રાજ્ય અને કેન્દ્રમાં દર મહિનાના બીજા અને ચોથા શનિવારે સરકારી કચેરીઓમાં જાહેર રજા હોય છે, જેથી રાજ્ય અને કેન્દ્રના તમામ કર્મચારીઓ ઘરે હોય છે. ત્યારે રાજ્યની સ્કૂલોમાં પણ બીજા અને ચોથા શનિવારે રજા આપવા માટે શાળા સંચાલક મંડળે માગ કરી છે. રજૂઆતમાં તેમણે જણાવ્યું છે કે, રજા આપવાથી કર્મચારીઓ અને બાળકોને પણ ફાયદો થશે.
રાજ્ય શાળા સંચાલક મહામંડળના પ્રમુખ ભાસ્કર પટેલે મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલને પત્ર લખીને જાણ કરી છે કે, રાજ્ય અને કેન્દ્રમાં બીજા અને ચોથા શનિવારે જાહેર રજા હોય છે. રિઝર્વ બેંકના નિયમ મુજબ બીજા અને ચોથા શનિવારે બેંકોમાં પણ કામકાજ સંપૂર્ણ બંધ હોય છે. ત્યારે સ્કૂલોમાં પણ શનિવારે શિક્ષણ કાર્ય બંધ હોય તો વાલી અને વિદ્યાર્થીઓને સળંગ 2 દિવસની રજા મળી શકે છે. બીજી તરફ કર્મચારીઓ પણ પોતાના બાળકો સાથે સામાજિક રીતે સમય આપી શકે. શનિવારે સ્કૂલોમાં 5 તાસનું શિક્ષણકાર્ય કરવાનું હોય છે, જેમાંથી 4 તાસમાં જ ભણાવવામાં આવે છે. ભણવાના 4 તાસમાં પણ મુખ્ય વિષય ઓછા હોય છે અથવા હોતા જ નથી. જેથી પહેલા અને ત્રીજા શનિવારે 8 તાસ રાખવામાં આવે અને બીજા અને ચોથા શનિવારે સંપૂર્ણ રજા આપવામાં આવે. 2 દિવસનું શિક્ષણકાર્ય બંધ હોય તો સ્કૂલમાં વીજળીની બચત થાય, પાણી બચે અને સ્કૂલમાં સાફ-સફાઈ પણ થઈ શકે. આમ વિદ્યાર્થીઓને અને શાળાઓને પણ ફાયદો થઈ શકે તેમ છે.