ભાવનગરઃ જિલ્લાની સબળ નેતાગીરીના અભાવે ભાવનગર શહેર અને જિલ્લાનો સર્વાંગી વિકાસ થયો નથી. ઔદ્યાગિક વિકાસમાં પણ ભાવનગર જિલ્લો પછાત ગણાય છે. અને રોજગારીની પુરતી તકો ઉપલબ્ધ નથી. જિલ્લામાં અનેક સ્થળો એવા છે. કે એનો પ્રવાસન સ્થળ તરીકે વિકાસ કરવામાં આવે તો નવી રોજગારી પણ ઊભી થઈ શકે તેમ છે. જિલ્લાના ઘોઘા તાલુકામાં આવેલા દરિયામાં આશરે સાડા છ નોટિકલ માઈલ દૂર ઐતિહાસિક ટાપુ આવેલો છે આ ટાપુ પીરમબેટ તરીકે ઓળખાય છે. આજની યુવા પેઢી આ ટાપુથી વાકેફ નથી પરંતુ જયારે ભાવનગર કે ઐતિહાસિક એવાં “વળા” બંદર જે આજનું વલ્લભીપુર છે એનું અસ્તિત્વ પણ નહોતું એ સમયે પીરમબેટ રજવાડું હતું. આજે સદીઓના વહાણા વાયા અને ગોહિલવાડનો જાજરમાન ઈતિહાસ સરકારી ઉદાસીનતા સાથે કાયદાકીય આંટીઘૂંટીને પગલે ગુમનામીના ગર્તામાં સુષુપ્ત બન્યો છે. સરકાર દ્વારા આ ટાપુના વિકાસની શક્યતાઓ તપાસવા માટે સર્વે હાથ ધરવામાં આવ્યો હતો. જો અહીં વિકાસ કરવામાં આવે તો પ્રવાસીઓને અહીં વિદેશી આઈલેન્ડ જેવી જ સુવિધાઓ મળી શકે તેમ છે.
ભાવનગરના સમુદ્રમાં આવેલો પીરમબેટ ટાપુ 3 કિ.મી. લાંબો અને 1 કિ.મી. પહોળો છે. આ ટાપુ દરિયાકિનારેથી સમુદ્રમાં 10 કિ.મી. અંદર છે. યાંત્રિક હોડીની મદદથી લગભગ એક ક્લાકની મુસાફરી પછી આ ટાપુ પર પહોચી શકાય છે. બેટ પર એક દીવાદાંડી પણ છે. અંગ્રેજોએ વહાણવટા પર નજર રાખવા 24 મીટર ઉંચી દીવાડાંડી બનાવી હતી. આ ટાપુ પર માનવ વસવાટ નથી. 50થી વધુ પ્રકારના જળચર સહિતના પક્ષીઓ વસવાટ કરતા હોવાનો અંદાજ છે.પીરમબેટ પ્રવાસીઓ માટે સુંદર સ્થાન છે. અહીંયા દરિયાના પટમાંથી બનેલા ખડકોના પથ્થરોની કોતરણી જાણે આબેહૂબ પ્રજાતિઓ જેવી ખૂબજ સુંદર જોવા મળે છે. સમુદ્રમાં હેવી કરંટને પગલે પીરમબેટ સુધી પહોંચવું ખુબ જોખમ ભરેલું છે. આ ટાપુ પર જવા માટે પૂર્વમંજૂરી લેવી જરુરી છે. હાલ એક પણ વ્યક્તિનો અહીં વસવાટ નથી. ફક્ત લાઈટ હાઉસના કર્મચારીઓ અહીં રહી ફરજ બજાવે છે. અહીં પીવાનું પાણી પણ સાથે લઈને આવવું પડે છે આ ટાપુ પર બાવળનું જંગલ તથા મેન્ગ્રુવના જંગલ મોજુદ છે.
પીરમબેટ ફરતે બનાવેલી ગઢની દિવાલો જીર્ણક્ષિર્ણ અવસ્થામાં ઉજળા ઈતિહાસની ગવાહી પુરે છે. થોડા સમય પૂર્વે લાઈટ માટે સોલાર પેનલ ગોઠવી દેવામાં આવી છે તેમજ લાઈટ હાઉસના સ્ટ્રક્ચર પર વરસતા વરસાદી પાણીનો સંગ્રહ કરી બારમાસ ઉપયોગ કરવામાં આવે છે, અને હાલ બે કર્મચારીઓ ફરજ બજાવે છે. સરકાર દ્રઢ ઈચ્છાશક્તિ કેળવે તો ઐતિહાસિક પર્યટન સ્થળ તરીકે આ જગ્યાનો ચોક્કસ વિકાસ કરી શકાય તેમ છે ઉપરાંત સુરક્ષા વ્યવસ્થા માટે થાણું સ્થાપી શકાય તથા સમુદ્રી રીસર્ચ સેન્ટર સહિત પર્યટકોને આકર્ષવા બહુવિધ ઉપલબ્ધી ઓ મોજુદ છે જ. ત્યારે ગુમનામીના ગર્તમા ધકેલાઈ રહેલ ઉજળા ઈતિહાસ ને અકબંધ રાખવા સરકાર ધ્યાન આપે એવું લોકો ઈચ્છી રહ્યાં છે. આ ટાપુ પર પ્રવાસીઓને મુલાકાત લેવી હોય તો ટાપુ પર હાલ અત્યારે કોઈપણ જાતની ખાણી-પીણી, રહેવાની, બેસવાની કોઈ સગવડતા નથી, જો કોઈ પ્રવાસીઓએ મુલાકાત લેવી હોય તો બધું સાથે લઈને જવું પડે છે.