ગુજરાતમાં ધો-12ની પરીક્ષા પૂર્વે પરીક્ષાર્થીઓને કોરોનાની રસીનો પ્રથમ ડોઝ આપવાની માંગણી
અમદાવાદઃ ગુજરાતમાં કોરોના વાયરસના પોઝિટિવ સતત ઘટતા તંત્રએ હવે રાહતનો શ્વાસ લીધો છે. દરમિયાન શિક્ષણ વિભાગ દ્વારા ધો-12ની વિજ્ઞાન પ્રવાહ અને સામાન્ય પ્રવાહનું તા. 1 જુલાઈના રોજ પરીક્ષાનું આયોજન કરવામાં આવ્યું છે. તેમજ પરીક્ષા દરમિયાન કોરોનાની ગાઈડલાઈનનું પાલન કરવાનું રહેશે. બીજી તરફ શાલા સંચાલકો દ્વારા ધો-12 પરીક્ષાર્થીઓને પરીક્ષા પહેલા કોરોનાની રસીનો પહેલો ડોઝ આપવાની માંગણી કરવામાં આવી છે. જેથી વિદ્યાર્થીઓ કોરોનાના ભય વિના આત્મવિશ્વાસ સાથે આપી શકે તેવી પણ રજૂઆત કરી છે.
પ્રાપ્ત માહિતી અનુસાર ધોરણ 12 ના વિજ્ઞાન પ્રવાહના 1,40,000 વિદ્યાર્થીઓ અને સામાન્ય પ્રવાહના 5,43,000 જેટલા વિદ્યાર્થીઓની બોર્ડની વાર્ષિક પરીક્ષાઓ 1 જુલાઈથી પરીક્ષાનું આયોજન કરવામાં આવ્યું છે. રાજકોટ સ્વનિર્ભર શાળા સંચાલક મંડળના પ્રમુખે જણાવ્યું હતું કે, ધોરણ 12 ના વિદ્યાર્થીઓની પરીક્ષા પહેલા તેમને વેક્સિનનો એક ડોઝ આપી દેવામાં આવે તો પરીક્ષા સમયે વિદ્યાર્થીઓ આત્મવિશ્વાસ સાથે નિર્ભય બનીને પરીક્ષાઓ આપી શકશે. દેશમાં ગુજરાત રાજય આ માટે પ્રથમ રાજય બને અને બીજા રાજયો માટે પણ પ્રેરણારુપ બની શકે. ધોરણ 12 ના વિદ્યાર્થીઓ આમ પણ 18 વર્ષની ઉમરના હોય છે અને થોડા વિદ્યાર્થીઓને જો 18 વર્ષ પુરા થવામાં હોય તો તેમને સ્પેશ્યલ કેસમાં પરવાનગી આપી શકાય છે. આગામી મહિનાઓમાં સરકાર 18 વર્ષથી નીચેની વયના બાળકોને વેક્સિન આપવાનુ વિચારી રહી છે. સ્વનિર્ભર શાળા સંચાલક મંડળ દ્વારા આ બાબતે મુખ્યમંત્રી , શિક્ષણમંત્રી અને શિક્ષણ વિભાગને રજૂઆત કરવામાં આવી છે.