નવી દિલ્હીઃ યુએસ કોંગ્રેસમાં એક બિલ રજૂ કરવામાં આવ્યું છે, જેમાં ભારતને અમેરિકાના ટોચના સહયોગીનો દરજ્જો આપવાની માંગ કરવામાં આવી છે. આ બિલ અમેરિકન સાંસદ માર્કો રૂબિયો દ્વારા રજૂ કરવામાં આવ્યું છે. આ બિલમાં માંગ કરાઈ છે કે, યુ.એસ. તેના સહયોગી જાપાન, ઈઝરાયલ, કોરિયા અને નાટો સહયોગીઓની જેમ ભારતને તેના ટોચના સાથી ગણે અને ભારતની પ્રાદેશિક સાર્વભૌમત્વ સામે વધતા જોખમો વચ્ચે તેને સમર્થન આપે અને પાકિસ્તાનથી આયાતિત આતંકવાદ સામેની કાર્યવાહીમાં મદદ કરવી જોઈએ.
યુએસ સેનેટર માર્કો રુબિયોએ પ્રસ્તાવિત બિલ ‘યુએસ ઈન્ડિયા ડિફેન્સ કોઓપરેશન એક્ટ’માં કહ્યું છે કે ‘ડાબેરી ચીન હિંદ પ્રશાંત મહાસાગર ક્ષેત્રમાં સતત પોતાનો પ્રભાવ વધારી રહ્યું છે અને તે આપણા પ્રાદેશિક સહયોગીઓની સુરક્ષા અને સાર્વભૌમત્વ માટે જોખમ ઊભું કરી રહ્યું છે. આવી સ્થિતિમાં અમેરિકા માટે ચીનની રણનીતિનો સામનો કરવા માટે સહયોગ ચાલુ રાખવો અને ભારતની સાથે સાથે ક્ષેત્રના અન્ય દેશોને પણ જણાવવું જરૂરી છે કે તેઓ એકલા નથી. જો કે અમેરિકામાં ટૂંક સમયમાં રાષ્ટ્રપતિની ચૂંટણી યોજાવાની છે અને એવા સમયે જ્યારે અમેરિકન કોંગ્રેસમાં બંને પક્ષોના ધારાસભ્યો વચ્ચે મતભેદો છે, ત્યારે આ બિલ પાસ થવાની શક્યતા ઓછી છે, પરંતુ અમેરિકામાં ભારતને જે સમર્થન મળી રહ્યું છે. આને ધ્યાનમાં રાખીને નવી સરકારની રચના બાદ આ બિલ ફરીથી કોંગ્રેસમાં રજૂ કરવામાં આવે તેવી શક્યતા છે.
બિલમાં કહેવામાં આવ્યું છે કે, ચીનના પ્રભાવને ઘટાડવા માટે અમેરિકા-ભારત ભાગીદારી જરૂરી છે. આવી સ્થિતિમાં રાજદ્વારી વ્યૂહરચના, અર્થવ્યવસ્થા અને સૈન્ય ભાગીદારીના સ્તરે નવી દિલ્હી સાથેના સંબંધો મજબૂત થવા જોઈએ. આ બિલમાં અમેરિકા દ્વારા ભારત સાથે મહત્વપૂર્ણ સંરક્ષણ ટેક્નોલોજી શેર કરવાની પણ માંગ કરવામાં આવી છે. બિલમાં એમ પણ કહેવામાં આવ્યું છે કે, ભારતને રશિયા પાસેથી હથિયાર ખરીદવા માટે થોડી સ્વતંત્રતા મળવી જોઈએ, કારણ કે હાલમાં ભારતીય સેના સંરક્ષણ સાધનોની સપ્લાય માટે રશિયા પર નિર્ભર છે.
આ બિલમાં અમેરિકાના નજીકના સાથી જાપાન, ઈઝરાયેલ અને દક્ષિણ કોરિયાની સાથે નાટો સભ્ય દેશની જેમ ભારતને વ્યૂહાત્મક સહયોગીનો દરજ્જો આપવાનો પ્રસ્તાવ છે. ભારત સાથે સૈન્ય સહયોગ વધારવો જોઈએ. આ બિલમાં પાકિસ્તાન દ્વારા પ્રોક્સી ટેરરિઝમનો મુદ્દો પણ ઉઠાવવામાં આવ્યો છે અને એવી માગણી કરવામાં આવી છે કે જો પાકિસ્તાન ભારત વિરુદ્ધ તેની ગતિવિધિઓથી દૂર ન રહે તો તેને આપવામાં આવતી આર્થિક મદદ બંધ કરી તેની સામે પગલાં લેવામાં આવે.
(PHOTO-FILE)