નવી દિલ્હીઃ દેશની જેલોમાં બંધ કેદીઓને મતદાનનો અધિકાર આપવાની માંગ કરવામાં આવી છે. આ સંદર્ભે દાખલ કરવામાં આવેલી જાહેર હિતની અરજી (PIL) પર સુપ્રીમ કોર્ટે કેન્દ્ર સરકાર અને ચૂંટણી પંચને નોટિસ પાઠવીને જવાબ માંગ્યો છે.
પીઆઈએલ દ્વારા કેદીઓને મતદાનથી વંચિત રાખતા લોકપ્રતિનિધિત્વ કાયદાની જોગવાઈની માન્યતાને પડકારવામાં આવી છે. ચીફ જસ્ટિસ યુયુ લલિત, જસ્ટિસ એસ. રવિન્દ્ર ભટ અને જસ્ટિસ બેલા એમ. ત્રિવેદીની ખંડપીઠે એડવોકેટ ઝોહેબ હુસૈનની અરજીની નોંધ લેતા ગૃહ મંત્રાલય અને ચૂંટણી પંચને નોટિસ પાઠવી છે.
આ અરજી વર્ષ 2019માં આદિત્ય પ્રસન્ન ભટ્ટાચાર્યએ ફાઇલ કરી હતી તે સમયે તેઓ નેશનલ લો યુનિવર્સિટીના વિદ્યાર્થી હતા. પિટિશનમાં લોક પ્રતિનિધિત્વ અધિનિયમની કલમની માન્યતાને પડકારવામાં આવ્યો છે. આ કલમ જેલમાં બંધ વ્યક્તિને મતદાન કરવા માટે પ્રતિબંધિત કરે છે. બેંચ હવે આ મામલે 29 ડિસેમ્બરે સુનાવણી કરશે.
અત્રે ઉલ્લેખનીય છે કે, લોકપ્રતિનિધિત્વ અધિનિયમની ઉક્ત કલમ જણાવે છે કે, જેલમાં બંધ વ્યક્તિ કોઈપણ ચૂંટણીમાં મતદાન કરી શકે નહીં. આવી વ્યક્તિ, ભલે જેલમાં હોય, ટ્રાન્ઝિટ રિમાન્ડ પર હોય કે પોલીસ કસ્ટડીમાં હોય, તે મત આપવા માટે પાત્ર રહેશે નહીં.