ESI ના મહત્તમ પગારની મર્યાદા રૂ. 21 હજારથી વધારીને રૂ. 30 હજાર કરવા માંગણી
અમદાવાદઃ કર્મચારી રાજ્ય વીમા નિગમના પ્રાદેશિક બોર્ડની 90મી બેઠક તાપી હોલ, સ્વર્ણિમ સંકુલ-1, સચિવાલય, ગાંધીનગર ખાતે શ્રમ કૌશલ્ય વિકાસ અને રોજગાર મંત્રી બળવંતસિંહ રાજપૂતની અધ્યક્ષતામાં યોજાઈ ગઈ હતી. આ
પ્રાદેશિક બોર્ડની બેઠકને સંબોધતા બળવંતસિંહ રાજપૂતએ દરેકને ભારતના વડાપ્રધાન નરેન્દ્ર મોદી દ્વારા અપાયેલ મંત્રી ‘શ્રમ જયતે’ તેમજ ‘શ્રમ એ જ સેવા’ને અનુસરવાની અપીલ કરી હતી. તેમણે દરેકને કર્મચારીઓના કલ્યાણ માટે નિર્ધારિત કરેયાલ લક્ષ્યોની પ્રાપ્તિ માટે એકજૂટ થઈને કાર્ય કરવાની અપીલ કરી હતી.
તેમણે વધુમાં જણાવ્યું કે તેઓ કર્મચારી રાજ્ય વિમા નિગમ દ્વારા લાભાર્થોના કલ્યાણ સાથે સંબંધિત મુદ્દા પર કોઈપણ પ્રકારના સહયોગ માટે હંમેશા તત્પર છે. મંત્રીએ વીમાધારક ESI ના મહત્તમ પગારની મર્યાદા રૂ. 21000/- થી વધારીને રૂ. 30000/- કરવાનું સૂચન કર્યું અને આ માટે કેન્દ્રીય સ્તરે પ્રયાસો કરવાની વાત કરી હતી.
અધિક મુખ્ય સચિવ, રાજ્ય સરકાર શ્રીમતી અંજુ શર્માએ વીમાધારકોને વધુ સારી અને સરળ સુવિધાઓ પૂરી પાડવા માટે IT પ્લેટફોર્મને વપરાશકર્તા મૈત્રીપૂર્ણ બનાવવા માટે પ્રયત્નો કરવાની જરૂરિયાત પર ભાર મૂક્યો હતો.
એમ્પ્લોઇઝ સ્ટેટ ઇન્સ્યોરન્સ કોર્પોરેશન એ એક અગ્રણી સામાજિક સુરક્ષા સંસ્થા છે જે વ્યાપક સામાજિક સુરક્ષા લાભો, વ્યાજબી તબીબી સંભાળ અને રોજગાર, ઇજા, માંદગી, મૃત્યુ, બેરોજગારી વગેરે જેવી જરૂરિયાતના સમયે રોકડ લાભો પ્રદાન કરે છે. કેન્દ્ર સરકાર દ્વારા ભારતના શ્રમ અને રોજગાર મંત્રાલય હેઠળ રાજ્ય સરકારોના સહયોગથી કર્મચારી રાજ્ય વિમા યોજના પર નજર રાખવામાં આવે છે.