કોરોનાના કપરા કાળમાં બેન્કોમાં કામકાજનો સમય ઘટાડવા અને દર શનિવારે રજા જાહેર કરવા માગ
અમદાવાદઃ રાજ્યમાં કોરોનાના કેસ વધી રહ્યા છે. વેપારી મંડળો સ્વૈચ્છિક લોકડાઉનનો અમલ કરી રહ્યા છે. જાહેર ભીડભાડવાળા સ્થળોએ લોકોને એકત્ર ન થવા તંત્ર દ્વારા અપિલ કરવામાં આવી છે. ત્યારે બેંક યુનિયનો દ્વારા મુખ્યપ્રધાન વિજય રૂપાણીને પત્ર લખીને કોરોનાની આ મહામારીમાં બેંકની કાર્યપ્રણાલીમાં કેટલાક ફેરફાર કરવા માટે સૂચનો કરવામાં આવ્યા છે. જેમાં બેંકમાં એક સમયે માત્ર ચાર ગ્રાહકોને પ્રવેશ, તમામ શનિવારે બેંકો બંધ રાખવી, તથા કોઈ કર્મચારી કોરોના પોઝિટિવ આવે તો બ્રાન્ચને 48 કલાક માટે બંધ રાખવા જેવી માગણીઓ કરવામાં આવી છે.
મહાગુજરાત બેંક એમ્પલોઈઝ એસોસિયેશન અને ગુજરાત બેન્ક વર્કર્સ યુનિયન દ્વારા મુખ્યપ્રધાનને લખેલા પત્રમાં એવી રજુઆત કરવામાં આવી હતી કે, કોરોનાની આ બીજી લહેરમાં ગુજરાતભરમાં 30થી વધુ બેંક કર્મચારીઓ મોતને ભેટ્યા છે, જ્યારે 15000 કર્મચારીઓ કોરોનાના સંક્રમણમાં આવ્યા છે. બેંક કર્મચારીઓ લોકો સાથે વધુ સંપર્કમાં આવતા હોય છે. અને તેમને કોરોના સંક્રમણ લાગવાનો ભય વધુ હોય છે છતાં તેઓ મહામારીમાં પોતાની ફરજ નિભાવી રહ્યા છે. મુખ્યપ્રધાન SLBCના ચેરમેન હોવાના નાતે યોગ્ય નિર્ણય લઈ શકે છે. બેંક કર્મચારીઓ બેંકોની બ્રાન્ચો કાર્યરત કરવા માટેની ગાઈડલાઈન્સની રાહ જોઈ રહ્યા છે. ઘણી બધી બ્રાન્ચોમાં 100 ટકા કર્મચારીઓ કોરોના પોઝિટિવ જાહેર કરાયા છે. એવું કહેવાય છે કે, વાયરસ હવાથી ફેલાય છે, એવામાં કર્મચારીઓ પોઝિટિવ આવ્યા હોય તેવી બ્રાન્ચમાં લોકો જવા દેવા યોગ્ય નથી. ઘણા બધા સંગઠનો, શાક માર્કેટ, સોનાના વેપારીઓ સ્વૈચ્છિક બંધ જાહેર કરી રહ્યા છે. બેન્કોમાં કામ બંધ ન કરી ને પરંતુ કેટલીક રાહત આપવી જોઈએ.