Site icon Revoi.in

ઝાલાવાડ પંથકને રેલવે દ્વારા થતો અન્યાય, સુરેન્દ્રનગર- રાજકોટ વચ્ચે મેમુ ટ્રેન શરૂ કરવા માગ

Social Share

સુરેન્દ્રનગરઃ  ઝાલાવાડ પંથકના પાટનગર સમા મુખ્ય શહેર સુરેન્દ્રનગર અને રાજકોટ વચ્ચે લોકલ ડેમુ ટ્રેન શરૂ કરવાની માંગ ઉઠી છે. તાજેતરમાં સિરામિક સિટી થાનગઢને પડી રહેલી ટ્રેન અસુવિધા બાબતે રેલવે તંત્રને આવેદન આપીને આ રજુઆત કરવામાં આવી હતી. સુરેન્દ્રનગર જિલ્લાને રેલવેતંત્ર દ્વારા હંમેશા અન્યાય થતો રહ્યો છે. સ્ટેશનોના વિકાસની વાત હોય, ટ્રેનોના સ્ટોપેજની વાત હોય કે ટ્રેનો લંબાવવાની વાત હોય કે પછી નવી ટ્રેન શરૂ કરવાની વાત હોય રેલ્વેતંત્ર દ્વારા સુરેન્દ્રનગર જિલ્લાની હંમેશા અવગણના થતી હોવાનું મુસાફર જનતાએ અનુભવેલ છે હાલમાં થાનગઢની જનતામાં રેલવે તંત્રના તઘલખી નિયમો અને અન્યાયથી રોષની લાગણી જોવા મળે છે.

સિરામીકનગરી તરીકે ભારતભરમાં જાણીતા થાનગઢ શહેરને રેલ્વેતંત્ર દ્વારા ઘોર અન્યાય થઈ રહ્યો છે. આ અંગે પાંચાલ સિરામીક એસોસીએશન વિકાસ ટ્રસ્ટના પ્રમુખ તથા અન્ય ઉદ્યોગપતિઓએ રેલ્વેતંત્રને રજુઆત કરતા જણાવ્યું હતું  કે, ઝાલાવાડમાં છેલ્લા ત્રણ મહિનાથી કોરોનાનો એકપણ કેસ નથી. તેમ છતાં થાનમાં મુસાફરોને ટ્રેનમાં મુસાફરી કરવા માટે આગલા દિવસે ટિકિટ લેવી પડે છે. આ તઘલખી નિયમ યોગ્ય નથી.ઔદ્યોગિક શહેરમાં ઉદ્યોગોના ઓફિસ સ્ટાફને, કામદારને ગમે ત્યારે સુરેન્દ્રનગર કે રાજકોટ જવુ આવવું પડે છે આગલા દિવસે ટિકિટ લેવાના નિયમથી તેઓ ટ્રેનમાં મુસાફરી કરી શકતા નથી ખાનગી વાહનોમાં તગડા ભાડા ખર્ચીને જવુ પડે છે. તેથી આગલા દિવસે ટિકિટ લેવાના નિયમથી છુટકારો આપવા માંગ થયેલ છે.

આ ઉપરાંત થાનગઢ આજુબાજુના ગામડાઓમાંથી સિરામીક ફેકટરીઓમાં કામે આવતા કામદારોએ લોકલ ટ્રેન આશિર્વાદ રૂપ હતી તે કોરોનાના બહાને બંધ થઈ ગયેલ જે તત્કાલ ફરી શરૂ કરવાની જરૂર છે સુરેન્દ્રનગર રાજકોટ વચ્ચે લોકલ ડેમુ ટ્રેન શરૂ કરવી જોઈએ. રજુઆતમાં એમ પણ જણાવાયેલ છે કે, લાંબા અંતરની પંદર જેટલી ટ્રેનો થાન રેલ્વેસ્ટેશનેથી પસાર થાય છે પણ થાન સ્ટેશને થોભતી નથી. પરિણામે સીરામીક નગરીના ઉદ્યોગપતિઓ અને બહારના વેપારીઓને વેપાર-ધંધા માટે જવા-આવવામાં મુશ્કેલી પડે છે થાનગઢની મુસાફર જનતાને પડતી આ મુશ્કેલીનું રેલ્વેતંત્ર દ્વારા વહેલીતકે નિરાકરણ લાવવામાં આવે તેવી માંગ વ્યકત કરવામાં આવેલ છે.