Site icon Revoi.in

ગુજરાતના ઈંટ ઉત્પાદકોને લઘુ ઉદ્યોગનો દરજ્જો આપી ટોકન ભાવે પડતર જમીન આપવા માગ

Social Share

અમદાવાદઃ રાજ્ય સરકાર ઉદ્યોગોને ટોકન ભાવે પડતર જમીનની લહાણી કરી રહી છે, પણ નાના પાયે ઉત્પાદન કરતા ઉદ્યોગો અનેક બેરોજગારોને રોજગારી આપે છે,  ત્યારે સરકાર દ્વારા નાના ઉદ્યોગો પ્રત્યે દુર્લક્ષ્ય સેવતી હોવાથી લઘુ ઉદ્યોગો અનેક મુશ્કેલીઓનો સામનો કરી રહ્યા છે.ગુજરાતનો ઈંટ ઉદ્યોગ અનેક મુશ્કેલીઓનો સામનો કરી રહ્યો છે. ઇંટ ઉત્પાદકોને ખરાબાની જમીન ફાળવવા માટે છ વર્ષથી સરકારમાં માગણી થઇ રહી છે પણ કોઇ ઉકેલ આવતો નથી. જોકે હવે સરકાર ધ્યાન ન આપે તો ગાંધી ચિંધ્યા માર્ગે આંદોલન કરાશે.

સૂત્રોના જણાવ્યા મુજબ રાજ્ય સરકારમાં પડતર રહેલી માગણીઓ વિષે આજે તા. 6ઠ્ઠી ઓક્ટોબરના રોજ સૌરાષ્ટ્ર ઝોનના ઉત્પાદકોની રાજકોટની ગુર્જર પ્રજાપતિ જ્ઞાતિની વાડી, રામનાથપરા ખાતે સાંજે ચાર વાગ્યે બેઠક યોજાશે. એમાં આંદોલનની રણનીતિ ઘડાશે. સૌરાષ્ટ્ર કચ્છ બ્રિક્સ મેન્યુફેક્ચરર્સ એસોસીએશને અગાઉ મુખ્યમંત્રીને પણ આ મુદ્દે રજૂઆત કરી હતી. જમીન જંત્રીના એકવડા દરથી ફાળવવા માટે નીતિ વિષયક દરખાસ્ત મંજૂર કરવા સહિતની છ માગણીઓ મૂકી હતી. 8000 હજાર જેટલા ઇંટના ભઠ્ઠા ધારકો વર્ષોથી સરકારી પડતર જમીન પર રોજગાર ચલાવી રહ્યા છે. રજૂઆતો અનેક થઇ છે, પણ પરિણામ મળતું નથી. ઉત્પાદકોને તેમના ભોગવટાવાળી જમીન જંત્રીના એકવડા દરથી ફાળવવા માટે કલેક્ટર રાજકોટ દ્વારા 2016માં નીતિવિષયક રજૂઆત કરી હતી, પણ તે માગ પડતર છે.

ઈંટોના ભઠ્ઠા માલિકોને છાસવારે સરકારી તંત્ર તરફથી જમીનમાં પેશકદમીના નામે પરેશાન કરવામાં આવી રહ્યા છે તે મુદ્દે પણ રોષ પ્રવર્તે છે. ઇંટ ઉત્પાદકોને આવશ્યક માટી માટે સરકારના ઉદ્યોગ અને ખાણ વિભાગના 7-2-20ના પરિપત્રની જોગવાઇ પ્રમાણે માટી પરિવહન માટે 10 કિલોમીટરની ત્રિજ્યામાંથી મંજૂરી મળે છે. પણ સૌરાષ્ટ્રના કેટલાક ઝોનમાં 20-30 કિલોમીટર સુધી જતા પણ માંડ માંડ માટી મળે છે એટલે પરિપત્ર રદ્દ કરવામાં આવે તેવી માગ ઊઠી છે. નાના ઉત્પાદકોને ગૃહ ઉદ્યોગનો દરજ્જો આપવા, પ્રજાપતિઓને એકમદીઠ 2500 ચો.મી. જમીન ફાળવવાની મર્યાદા નક્કી કરવા, ખાસ હેતુ માટે જમીનો નીમ કરવાની મહેસૂલ વિભાગની જોગવાઇ પ્રમાણે માટી લેવા માટે ગ્રામ્ય વિસ્તારમાં સરકારી પડતર જમીનનો ટુકડો નીમ કરી આપવાની સૂચનાઓ આપવા રજૂઆતો કરાઇ છે.