રાજકોટઃ ઇફ્કોના ડિરેક્ટરની ચૂંટણીમાં જેતપુરના ભાજપના ધારાસભ્ય જયેશ રાદડિયાનો શાનદાર વિજ્ય થયા બાદ ભાજપમાં જ રાદડિયા સામે શિસ્તભંગના પગલાં લેવાની માગ ઊઠી છે. ઈફ્કોના ડિરેક્ટરની ચૂંટણીમાં ભાજપ દ્વારા બિપીનભાઈ પટેલ (ગોતા)ના નામનો મેન્ડટ અપાયો હતો. અને ભાજપના મેન્ડેટના વિરોધમાં ચૂંટણી લડેલા જેતપુરના ભાજપના ધારાસભ્ય જયેશ રાદડિયા વિજેતા બનતા છેલ્લા બે દિવસથી સહકારી ક્ષેત્રનું રાજકારણ ગરમાયુ છે. રાજકોટ જિલ્લા ભાજપના આગેવાન બાબુ નસીતે જયેશ રાદડિયા સહિત તેમને મત આપનારા સભ્યો સામે પણ શિસ્તભંગના પગલાં લેવા પ્રદેશ અધ્યક્ષ પાટિલને રજુઆત કરી છે. જો કે, આ મામલે જયેશ રાદડિયાએ જણાવ્યું હતું કે, મેં પાર્ટી વિરૂદ્ધ કોઈ કામ કર્યું નથી. સામાજિક સંસ્થાઓએ સહકારી ક્ષેત્રના રાજકારણમાં વચ્ચે ન આવવું જોઈએ.
દેશની ખેડુતોની સૌથી મોટી સહકારી સંસ્થા ઇફ્કોના ડિરેક્ટરની ચૂંટણીમાં ભાજપ દ્વારા બીપીન પટેલ (ગોતા)ને મેન્ડેટ આપવામાં આવ્યું હતું. જેની સામે ધારાસભ્ય જયેશ રાદડિયાએ ચૂંટણી લડી હતી અને 114 મત સાથે શાનદાર જીત મેળવી હતી. ત્યારબાદ ભાજપનો આંતરિક જૂથવાદ ખુલ્લીને સામે આવી ગયો હતો. એક બાદ એક ભાજપના નેતા દ્વારા સામસામે નિવેદન કરવામાં આવી રહ્યા છે. રાજકોટ જિલ્લા ભાજપના નેતા બાબુ નસીત દ્વારા જયેશ રાદડિયા પર પ્રહાર કરવામાં આવ્યા હતા અને જયેશ રાદડિયાને મત આપનાર સભ્યો સામે પણ પ્રદેશ અધ્યક્ષ પગલાં લે તેવી માગ કરતા જણાવ્યું હતું કે, રાજકોટ લોધિકા સંઘમાં મેન્ડેટ હોવા છતાં મારા વિરુદ્ધ પગલાં લેવામાં આવ્યા હતા. સહકારી ક્ષેત્રમાં ભાજપ-કોંગ્રેસનું ઇલું ઇલું ચાલી રહ્યું છે. ડો. ડાહ્યાભાઈ પટેલ અને મહમદ પીરજાદા બન્ને રાજકોટ ડિસ્ટ્રિક્ટ બેન્કના સભ્યો છે. આ બન્ને સભ્યો કોંગ્રેસના છે અને ચૂંટણીમાં ભાજપ વિરુદ્ધ મતદાન કર્યું હતું. અમારી સામે જેવી રીતે પગલાં લેવાયા તેવી જ રીતે જયેશ રાદડિયા સામે પાર્ટીએ પગલાં લેવા જોઈએ. સહકારી સંસ્થાઓમાં કોંગ્રેસમાંથી આવેલા ભાજપના નેતાઓ ભ્રષ્ટાચાર કરે જ છે. ભાજપ વિરુદ્ધ કામ કરે છે તેની સામે કડક કાર્યવાહી કરવામાં આવે તેવી મારી માગ છે.
જયેશ રાદડિયાએ પ્રતિક્રિયા આપતા જણાવ્યું હતું કે, ઇફ્કોની ચૂંટણીમાં ભાજપે મેન્ડેટ આપ્યું તે પહેલા મેં ઉમેદવારી નોંધાવી હતી. મને ખબર પણ નહોતી કે ભાજપે મેન્ડેટ આપ્યું છે. લોકસભા ચૂંટણીમાં મારી વિધાનસભા વિસ્તારમાં મેં પાર્ટી માટે જ કામ કર્યું. મેં કોઈ પાર્ટી વિરુદ્ધ કામ કર્યું નથી. રાજકોટ જિલ્લા બેન્ક અને સહકારી માળખું ખેડૂત સભાસદો પર ચાલે છે. મારા પર આક્ષેપ કરે છે તેને મારે જવાબ આપવાના ન હોય. મારે ખેડૂત સભાસદોનું હિત જોવાનું છે. સામાજિક સંસ્થાના આગેવાનની દખલગીરી અંગે નિવેદન આપતા જણાવ્યું હતું કે, કોઈ સામાજિક સંસ્થાઓએ સહકારી ક્ષેત્રમાં ન આવવું જોઈએ. રાજકારણમાં સામાજિક સંસ્થાઓએ ન ઝંપલાવવુ જોઈએ. સામાજિક સંસ્થાઓના વડાને કહેવા માગું છું કે, સમાજમાં રાજકારણ કરવાને બદલે જો રાજકારણ કરવું જ હોય તો રાજનીતિમાં આવી જવું જોઈએ. (file photo)