નવી દિલ્હીઃ આતંકવાદીઓનું ઘર ગણાતા પાકિસ્તાનમાં હાલ આર્થિક સ્થિતિ લથડી છે, તેમજ દુનિયાના વિવિધ દેશો પાસેથી પીએમ શરીફ મદદ માટે હાથ લાંબો કરી રહ્યાં છે. ત્યારે હવે પાકિસ્તાનના નેતાઓને અક્કલ આવી હોય તેમ ડાહ્યી… ડાહ્યી.. વાતો કરી રહ્યાં છે. પાકિસ્તાનના વિદેશ મંત્રી બિલાવલ ભુટ્ટો ઝરદારીએ કાયદા અને બંધારણનું સન્માન ન કરતા આતંકવાદી સંગઠનો સાથે કોઈપણ પ્રકારની વાતચીત કરવાનો ઈન્કાર કર્યો હતો. તેમજ ઉગ્રવાદ અને આતંકવાદનો સામનો કરવાનો એકમાત્ર રસ્તો લોકશાહી હોવાનો બચાવ કરી રહ્યાં છે.
પાકિસ્તાનના વિદેશ મંત્રી બિલાવલ ભુટ્ટો ઝરદારીએ દાવોસમાં વર્લ્ડ ઇકોનોમિક ફોરમની બેઠકમાં ઉપસ્થિત રહ્યાં હતા. દરમિયાન બિલાવલે ભૂતપૂર્વ વડા પ્રધાન ઇમરાન ખાનની સરકાર પર તહરીક-એ-તાલિબાન પાકિસ્તાન (TTP) પ્રત્યે તુષ્ટિકરણની નીતિ અપનાવવાનો આરોપ પણ મૂક્યો હતો. તેમણે કહ્યું કે જો આપણે અફઘાન વચગાળાની સરકાર સાથે કામ કરી શકીએ, જે આ જૂથો પર પ્રભાવ ધરાવે છે, તો અમે અમારી સુરક્ષા જાળવી શકીશું.
બિલાવલે કહ્યું, પાકિસ્તાન અને અફઘાનિસ્તાન બંને આતંકવાદનો શિકાર છે. હું નથી માનતો કે અફઘાનિસ્તાનની સરકાર પોતાના દમ પર આતંકવાદ સામે સફળ થશે અને ન તો આપણે પોતાની મેળે આતંકવાદ સામે સફળ થઈશું. આપણે સાથે મળીને કામ કરવાનું છે. તેમણે કહ્યું કે પાકિસ્તાન પીપલ્સ પાર્ટીનો સમગ્ર ઉદ્દેશ્ય પાકિસ્તાનને લોકતાંત્રિક દેશ બનાવવાનો છે. અમે માનીએ છીએ કે ઉગ્રવાદ અને આતંકવાદનો સામનો કરવાનો એકમાત્ર રસ્તો લોકશાહી છે. તે પૂછવામાં આવ્યું કે શું તે આ વર્ષે વડાપ્રધાન બની શકે છે, બિલાવલે કહ્યું કે તેણે પહેલા ચૂંટણી જીતવી પડશે.