રાજકોટમાં મ્યુનિ.કોર્પોરેશન દ્વારા દબાણ હટાવ ઝૂંબેશ, કોઠારિયા રોડ પર 52 સ્થળોએ ડિમોલિશન
રાજકોટઃ શહેરમાં આડેધડ ખડકાયેલા દબામો સામે મ્યુનિ.કોર્પોરેશન દ્વારા ઝૂંબેશ શરૂ કરવામાં આવી છે. જેમાં મ્યુનિ.દ્વારા વન વીક વન રોડ ઝુંબેશ અંતર્ગત વોર્ડ નં.18ના કોઠારીયા ગામથી સાંઇબાબા ચોક સુધીના રોડ પર ડ્રાઇવ ચલાવવામાં આવી હતી. જેમાં ટીપી શાખાએ 52 સ્થળોએ બિલ્ડીંગ, દુકાનો, કારખાના બહારથી ઓટલા અને છાપરાના દબાણો તોડી પાડયા હતા અને 1820 ચો.ફુટ જગ્યા પાર્કિંગ, વાહનો માટે ખુલ્લી કરાવવામાં આવી હતી.
રાજકોટમાં મ્યુનિ.કોર્પોરેશન દ્વારા છેલ્લા ઘણા સમયથી દબાણ હટાવ ઝૂંબેશ શરૂ કરવામાં આવી છે. દર અઠવાડિયે એક મુખ્યરોડ પરના દબાણો હટાવવામાં આવી રહ્યા છે. જેમાં કોઠારિયા ગામથી સાંઈબાબા ચાક સુધીના રોડ પર દબાણો હટાવવામાં આવ્યા હતા. આ ઉપરાંત મ્યુનિ.ના સોલીડ વેસ્ટ શાખા દ્વારા વોર્ડ નંબર 18માં કોઠારીયા ગામથી સાંઈબાબા ચોક સુધીનાં રોડ પર જાહેરમાં ગંદકી કરવા બદલ કુલ 7 આસામી પાસેથી રૂ. 3500, ડસ્ટબીન ન રાખતા વેપારી પાસેથી રૂ. 250, ઝબલાના ઉપયોગ કરવા બદલ 7 આસામી પાસેથી રૂ. 8500 એમ કુલ 15 આસામી પાસેથી રૂ. 12250 વહીવટી ચાર્જ વસુલ કરી 7.5 કિલો પ્રતિબંધિત પ્લાસ્ટીક જપ્ત કરાયું હતું. રોશની શાખા દ્વારા કોઠારીયા ગામ થી સાઇબાબા સર્કલ સુધીનાં વોર્ડ નં. 18નાં રસ્તા પર બે બંધ સ્ટ્રીટ લાઈટને રીપેરીંગ કરી ચાલુ કરી બે સ્થળેથી ઇલેક્ટ્રીક સર્વિસ વાયર દૂર કરવામાં આવ્યા હતા.
સૂત્રોએ જણાવ્યું હતું કે, રાજકોટ મ્યુનિ.ની દબાણ હટાવ શાખા દ્વારા કોઠારિયા રોડ પર 6 પરચુરણ દબાણ અને 91 બોર્ડ બેનર જપ્ત કરાયા હતા. તેમજ બાંધકામ અને ડ્રેનેજ શાખાએ મેટલીંગ, મેન વોલની સફાઇ, લેવલીંગ, રબ્બીશ ઉપાડવાનું કામ કર્યુ હતું. ટેક્સ શાખા દ્વારા કોઠારીયા ગામથી સાઇબાબા સર્કલ સુધીનાં વોર્ડ નં.18માં મિલકત વેરા માટે કુલ પાંચ આસામીને નોટીસ અપાઇ હતી તો વ્યવસાય વેરા માટે કુલ 30 આસામીઓને સુનવણી નોટીસ આપવામાં આવી હતી. ફાયર વિભાગ દ્વારા કોઠારીયા ગામતળથી સોલવન્ટ ફાટક હાઇવે સુધી બિલ્ડીંગમાં ચકાસણી કરી હાઇરાઇઝ સ્વાતી હાઇટસ એ.બી.સી.ને એન.ઓ.સી તથા લીલાવંતી કોમ્યુનિટી હોલને ફાયર એન.ઓ.સી. માટે નોટીસ અપાઇ હતી.(file photo)