અમદાવાદમાં યુવક કોંગ્રેસ દ્વારા મોંઘવારીના વિરોધમાં બળદગાડા અને બેનરો સાથે પ્રદર્શન,
અમદાવાદઃ પ્રદેશ યુવક કોંગ્રેસ દ્વારા મોંઘવારીના વિરોધમાં અમદાવાદમાં પ્રદર્શન યોજવામાં આવ્યું હતું. જેમાં યુવક કોંગ્રેસના કાર્યકરો ઉપરાંત સ્થાનિક લોકો પણ જોડાયા હતા. પોલીસે કોંગ્રેસની રેલી અટકાવીને કોંગ્રેસના કાર્યકરોની અટકાયત કરી હતી.
અમદાવાદ શહેરના મેમ્કો ખાતે શહેર યુથ કોંગ્રેસ દ્વારા મોંઘવારી મુદ્દે વિરોધ પ્રદર્શનનો કાર્યક્રમ યોજવામાં આવ્યો હતો. બળદગાડા પર સવાર થઈને યુથ કોંગ્રેસના કાર્યકરોએ દેખાવો યોજ્યા હતા. જેમાં અમદાવાદ શહેર યુથ કોંગ્રેસ કાર્યકારી પ્રમુખ જયમન શર્માની આગેવાનીમાં મોટી સંખ્યામાં યુવાનો અને કાર્યકર્તાઓ એકત્રિત થયા હતા. કોંગ્રેસના કાર્યકરોએ મોંઘવારી વિરોધમાં સૂત્રોચ્ચાર પણ કર્યો હતો. એક તરફ મોંઘવારીનો માર અને બીજી તરફ ઘેર ઘેર યુવાનો છે, બેરોજગાર, એવા બેનરો પણ પ્રદર્શિત કર્યા હતા. જનતાની વેદનાને વાચા આપવા માટે યુથ કોંગ્રેસ કાર્યકરો રસ્તાઓ પર ઉતરી આવ્યા હતા.
શહેર યુથ કોંગ્રેસની મોંઘવારી વિરોધની રેલીને નિષ્ફળ બનાવવા મોટી સંખ્યામાં પોલીસ કાફલો ખડકી દેવામાં આવ્યો હતો અને યુથ કોંગ્રેસ રાષ્ટ્રીય પ્રવક્તા કપિલ દેસાઈ, અમદાવાદ શહેર યુથ કોંગ્રેસના કાર્યકારી પ્રમુખ જયમન શર્મા સહિત આગેવાનો કાર્યકરોની પોલીસ દ્વારા અટકાયત કરવામાં આવી હતી. અને ત્યારબાદ પોલીસ સ્ટેશને લઈ જઈને સમય વિત્યે કાર્યકરોને છોડી મુક્યા હતા. દરમિયાન યુવા કોંગ્રેસના અગ્રણીએ જણાવ્યું હતું કે, મોંઘવારી રોજબરોજ વધતી જાય છે. તેના લીધે લોકોની હાલત વધુ કફોડી બની છે. પેટ્રોલ-ડિઝલના ભાવ વધારા બાદ તમામ ચિજ-વસ્તુઓના ભાવ વધી ગયા હતા. ત્યારબાદ સરકારે ભાવમાં નજીવો ઘટાડો કર્યો હતો પણ ચિજ-વસ્તુઓના ભાવમાં કોઈ ઘટાડો નોંઘાયો નથી.