શાળા-કોલેજોમાં ઓનલાઈન શિક્ષણ હોવાથી વિદ્યાર્થીઓની ફીમાં 50 ટકા માફી આપવા NSUIએ કર્યા દેખાવો
અમદાવાદઃ રાજ્યમાં કોરોનાના કેસમાં નોંધપાત્ર ઘટાડો થયો છે, સરકારે નિયંત્રણો પણ હળવા કરી દીધા છે. બીજીબાજુ શાળા-કોલેજોમાં ઓનલાઈન શિક્ષણનો પ્રારંભ થયો છે. ઓફ લાઈન શિક્ષણ ક્યારે શરૂ કરાશે જે હજુ નક્કી નથી.ત્યારે હાલમાં શાળા-કોલેજ બંધ હોવાથી NSUI દ્વારા 50 ટકા ફી માફી માટે કલેક્ટર કચેરી ખાતે દેખાવો યોજી આવેદનપત્ર અપાયું હતું. જેમાં 25 ટકા ફી શાળાઓ માફ કરે અને 25 ટકા સરકાર દ્વારા માફ કરવામાં આવે તેવી માગણી કરી હતી. આ ઉપરાંત રિપીટર વિદ્યાર્થીઓની પરીક્ષા રદ કરવા માટે પણ રજૂઆત કરવામાં આવી હતી.
સૂત્રોના જણાવ્યા મુજબ રાજ્યમાં કોરોનાના કારણે લોકડાઉન આપવામાં આવ્યું તે પહેલાથી જ શાળા અને કોલેજો પ્રત્યક્ષ રીતે બંધ કરી દેવામાં આવી છે અને ઓનલાઈન શિક્ષણ ચાલી રહ્યું છે. શાળા-કોલેજો બંધ હોવાથી સંસ્થાઓને ઈલેક્ટ્રિસિટી, પાણી, ટ્રાન્સપોર્ટેશન, સફાઈ વગેરે જેવા ખર્ચા થતાં નથી. બીજી બાજુ લોકડાઉનના કારણે મધ્યમવર્ગના લોકોના રોજગારી અને ધંધા પર અસર થઈ છે અને તેઓ આર્થિક સંકડામણ અનુભવી રહ્યાં છે. આ સ્થિતિમાં વાલીઓ પાસેથી શાળા-કોલેજ દ્વારા પૂરેપૂરી ફી વસૂલ કરવામાં આવે તો તેમની સ્થિતિ વધુ કફોડી બને તેમ હોવાનું જણાવી એનએસયુઆઈ દ્વારા કલેક્ટર કચેરી ખાતે દેખાવો યોજવામાં આવ્યા હતા અને કલેક્ટરને આવેદનપત્ર આપી ફી માફી અંગે રજૂઆત કરી હતી.
જેમાં જણાવાયું હતું કે, કોરોનાના કપરા સમયમાં શાળાઓ અને કોલેજો દ્વારા 25 ટકા ફી માફી આપવામાં આવે અને 25 ટકા ફી માફી સરકાર દ્વારા જાહેર કરવામાં આવે એમ કુલ 50 ટકા ફી માફી આપવામાં આવે તેવી માગણી છે. ઉપરાંત ધો.10 અને 12ના રિપીટર વિદ્યાર્થીઓની પરીક્ષા રદ કરવા માટે પણ રજૂઆત કરવામાં આવી હતી. સરકારે નિયમિત વિદ્યાર્થીઓના સ્વાસ્થ્યને ધ્યાને લઈને પરીક્ષા રદ કરી હતી. જોકે, હવે રિપીટર વિદ્યાર્થીઓની પરીક્ષા લેવાની તૈયારી કરવામાં આવી છે ત્યારે વાલીઓમાં ચિંતા છે. જેથી આ વિદ્યાર્થીઓની પણ પરીક્ષા રદ કરવામાં આવે તેવી એનએસયુઆઈના અમદાવાદ પ્રમુખ આસિફ પવાર દ્વારા રજૂઆત કરવામાં આવી હતી.