Site icon Revoi.in

ગાંધીનગરમાં ટેટ અને ટાટ’ના ઉમેદવારોના શિક્ષકોની ભરતીના મુદ્દે દેખાવો, પોલીસે કરી અટકાયત

Social Share

ગાંધીનગરઃ ગુજરાતમાં 9000 શિક્ષકોની ઘટ છે. શિક્ષકોની ઘટ પુરવાને બદલે સરકાર દ્વારા શાળાઓમાં જ્ઞાન સહાયકોની કરાર આધારિત નિમણુંકો કરવામાં આવી રહી છે. તેની સામે ટાટ અને ટેટ પરીક્ષા ઉતિર્ણ કરેલા ઉમેદવારો વિરોધ કરી રહ્યા છે. ઉમેદવારો શિક્ષકોની કાયમી ભરતીની માગ કરી રહ્યા છે. ત્યારે શિક્ષણ વિભાગની નીતિ-રીતિના વિરોધમાં આજે મંગળવારે રાજ્યભરના ટેટ અને ટાટ પાસ થયેલા ઉમેદવારો પાટનગર ગાંધીનગરમાં એકઠા થયા હતા. અને હલ્લાબોલ કર્યો હતો. ગાંધીનગરના પથિકાશ્રમ પાસે આંદોલન કરી રહેલા ઉમેદવારોની પોલીસે ટીંગાટોળી કરી અટકાયત કરી હતી.

ગાંધીનગરમાં ટેટ, ટાટ પાસ ઉમેદવારો છેલ્લા ઘણા સમયથી કાયમી શિક્ષકોની ભરતી માટે આંદોલન કરી રહ્યા છે. છતાં સરકાર દ્વારા કરાર આધારિત જ્ઞાન સહાયકોની ભરતી કરાતા તેના વિરોધમાં રાજ્યભરના ટેટ અને ટાટના ઉમેદવારો ગાંધીનગરમાં એકઠા થયા હતા. અને જૂના સચિવાલય ખાતે કાયમી ભરતી મુદ્દે વિરોધ પ્રદર્શન કરાયુ હતુ. વિરોધની મંજૂરી ન હોવાથી કેટલાક લોકોની અટકાયત કરવામા આવી હતી. પથિકાશ્રમ ખાતે આંદોલન કરી રહેલા ઉમેદવારોને પોલીસ ટીંગાટોળી કરીને લઈ ગઈ હતી. પથિકાશ્રમ ખાતે પોલીસ અને ઉમેદવારો વચ્ચે ઘર્ષણ જોવા મળ્યું હતું.

ગાંધીનગરના પથિકાશ્રમ નજીક મોટી સંખ્યામાં ટેટ-ટાટ પાસ ઉમેદવારોએ એકઠા થઈને કાયમી ભરતી મુદ્દે હલ્લાબોલ કર્યું હતું. જોકે, પોલીસ દ્વારા વિરોધ પ્રદર્શનની મંજૂરી આપવામાં આવી ન હતી. છતાં મોટી સંખ્યામાં ઉમેદવારો પથિકાશ્રમ ખાતે એકઠા થયા હતા. પથિકાશ્રમ ખાતે ઉમેદવારો દ્વારા ઉગ્ર સૂત્રોચ્ચાર કરાયા હતા. ઉમેદવારો અને પોલીસ વચ્ચે ઘર્ષણના દ્રશ્યો જોવા મળ્યા હતા. પોલીસે હળવો બળપ્રયોગ કર્યો હતો. અને ટીંગાટોળી કરી કેટલાય યુવક યુવતીઓની અટકાયત કરાઈ હતી. આખરે પોલીસે ટોળાને વિખેર્યું હતું.

રાજ્યની શાળાઓમાં સરકાર દ્વારા કરાર આધારિત જ્ઞાન સહાયક તરીકે શિક્ષકોની ભરતી કરવામાં આવી રહી છે. ત્યારે કાયમી સરકારી નોકરીની આશા સાથે ટેટ-ટાટ પાસ કરનાર હજારો ઉમેદવાર કાયમી ભરતી થાય તેની રાહ જોઈ રહ્યા છે. હવે ધીમેધીમે ઉમેદવારોની ધીરજ ખૂટી રહી છે.  કોંગ્રેસના ધારાસભ્ય જિજ્ઞેશ મેવાણીએ આ મુદ્દે જણાવ્યું કે, દેશ સહિત ગુજરાતમાં બેરોજગારીનો પ્રશ્ન ગંભીર છે. ગુજરાતના ટેટ અને ટાટ પાસ યુવાઓ પોતાની યોગ્ય માંગણી કરી રહ્યા છે. 70000 શિક્ષકોના પદ ખાલી છે, 90000 યુવાઓએ પરીક્ષા આપી છે. આ સરકાર યુવાઓ સાથે સંવાદ પણ નથી કરી રહી. સરકાર માંગણી નહીં સ્વીકારે તો આગામી દિવસોમાં અમદાવાદમાં આક્રોશ રેલી કાઢીશું. જેની તમામ જવાબદારી સરકારની રહેશે.