Site icon Revoi.in

સૌથી ખુશ દેશોમાં ડેનમાર્ક, આઈસલેન્ડ અને નેધરલેન્ડ અગ્રેસર, ભારત 136માં ક્રમે

Social Share

નવી દિલ્હીઃ દુનિયાના સૌથી ખુશ પાંચ દેશોમાં ડેનમાર્ક, આઇસલેન્‍ડ, સ્‍વિટ્‍ઝરલેન્‍ડ અને નેધરલેન્‍ડ સામેલ છે. જયારે અમેરિકા 16 અને બ્રિટન ૧૭મા ક્રમે છે. આ યાદીમાં ભારત 136માં નંબર પર છે. ગત વખતે ભારતનો નંબર 139મો હતો એટલે કે ભારતની રેન્‍કિંગમાં ત્રણ સ્‍થાનનો સુધારો થયો છે. બીજી તરફ પાડોશી દેશ પાકિસ્‍તાન 121મા ક્રમે ભારત કરતા સારી સ્‍થિતિમાં છે. આ યાદીમાં સર્બિયા, બલ્‍ગેરિયા અને રોમાનિયામાં વધુ સારું જીવન જીવવામાં સૌથી વધુ વધારો થયો છે.

પ્રાપ્ત માહિતી અનુસાર વર્લ્‍ડ હેપીનેસ ટેબલમાં સૌથી મોટો ઘટાડો લેબનોન, વેનેઝુએલા અને અફઘાનિસ્‍તાનમાં આવ્‍યો છે. લેબનોનનો નંબર 144 છે, જે આર્થિક મંદીનો સામનો કરી રહ્યું છે. જયારે ઝિમ્‍બાબ્‍વે 143માં નંબર પર રહ્યું હતું. અફઘાનિસ્‍તાનમાં ગયા વર્ષે ઓગસ્‍ટમાં તાલિબાન ફરી સત્તામાં આવ્‍યા પછી યાદીમાં સૌથી નીચે છે. યુનિસેફનો અંદાજ છે કે જો મદદ પૂરી પાડવામાં ન આવે તો પાંચ વર્ષથી ઓછી ઉંમરના 10 લાખ બાળકો આ શિયાળામાં ભૂખથી મરી શકે છે.

છેલ્લા દસ વર્ષથી વર્લ્‍ડ હેપ્‍પીનેસ રિપોર્ટ તૈયાર કરવામાં આવી રહ્યો છે. તેને તૈયાર કરવા માટે લોકોની ખુશીના મૂલ્‍યાંકનની સાથે આર્થિક અને સામાજિક ડેટા પણ જોવામાં આવે છે. તેને ત્રણ વર્ષના સરેરાશ ડેટાના આધારે સુખ પર શૂન્‍યથી 10ની સ્‍કેલ આપવામાં આવે છે. જોકે, સંયુક્‍ત રાષ્ટ્રનો આ લેટેસ્‍ટ રિપોર્ટ રશિયાના યુક્રેન પરના હુમલા પહેલા તૈયાર કરવામાં આવ્‍યો હતો. તેથી જ યુદ્ધ લડી રહેલા રશિયાનો નંબર 80 અને યુક્રેનનો નંબર 98 છે.

રિપોર્ટના સહ-લેખક, જેફરી સેક્‍સે લખ્‍યું છે કે, વર્લ્‍ડ હેપ્‍પીનેસ રિપોર્ટ બનાવ્‍યાના વર્ષો પછી, એવું જાણવા મળ્‍યું છે કે સામાજિક સમર્થન, ઉદારતા, સરકારની પ્રામાણિકતા સમૃદ્ધિ માટે મહત્‍વપૂર્ણ છે. વિશ્વ નેતાઓએ આને ધ્‍યાનમાં રાખવું જોઈએ. રિપોર્ટ બનાવનારાઓએ કોરોના રોગચાળા પહેલા અને પછીના સમયનો ઉપયોગ કર્યો. 18 દેશોમાં ચિંતા અને ઉદાસીમાં મજબૂત વધારો જોવા મળ્‍યો હતો. પરંતુ, ગુસ્‍સાની લાગણીમાં ઘટાડો થયો હતો.