નવી દિલ્હીઃ ઉત્તર ભારત ફરી એક વાર ગાઢ ધુમ્મસ અને ઠંડીની લપેટમાં આવી ગયું છે. ભલે સૂર્યપ્રકાશના કારણે થોડી રાહત મળી છે પરંતુ સ્થિતિ એવી જ યથાવત જ છે. પંજાબ, હરિયાણા, ઉત્તર પશ્ચિમ રાજસ્થાન, ઉત્તર પ્રદેશ સહિતના મોટા ભાગના રાજ્યોમાં સવારે ગાઢ ધુમ્મસ છવાયું હતુ. સવાર પછી થોડો તડકો હતો. જો કે, તેનાથી ખાસ રાહત મળી ન હતી. ધુમ્મસની સૌથી વધુ અસર ફ્લાઈટ અને રેલ્વે સેવાઓને થઈ હતી. ગાઢ ધુમ્મસને કારણે જનજીવન ખોરવાયું હતું. હવામાન વિભાગ અનુસાર, હિમાચલ પ્રદેશ સાથે પશ્ચિમ હિમાલય ક્ષેત્ર અને આસપાસ ના મેદાનમાં 4 ફેબ્રુઆરી સુધી વરસાદ પડશે. આ સમય દરમિયાન કેટલાક વિસ્તારમાં ભારે વરસાદ પડી શકે છે. આગલા 48 કલાકમાં હિમાલયમાં વરસાદને લઈ ઓરેન્જ એલર્ટ પણ જારી કરવામાં આવ્યું છે.
ભારતીય હવામાન વિભાગ (IMD)એ સોશિયલ મીડિયા પોસ્ટમાં જણાવ્યું કે, પંજાબના અમૃતસર, પટિયાલા, હરિયાણાના અંબાલા, રાજસ્થાનના ગંગાનગર અને પૂર્વી ઉત્તર પ્રદેશના વારાણસીમાં ખૂબ ગાઢ ધુમ્મસ જોવા મળ્યું છે. આ જગ્યાઓ પર સવારે સાડા પાંચ વાગેથી વિઝિબિલિટી ઓછી થઈને 25 મીટર થઈ ગઈ હતી. જેના કારણે રસ્તા વાહન વ્યવહાર અને સામાન્ય જનજીવન ખરાબ રીતે પ્રભાવિત થયું હતુ. ગાઢ ધુમ્મસ અને સૂર્ય પ્રકાશ ન હોવાના કારણે ઠંડીનો અહેસાસ વધુ થયો હતો. અમૃતસરમાં સવારે સાડા પાંચ વાગે 7.4 ડિગ્રી સેલ્સિયસ તાપમાન નૌંધાયુ હતુ. અને બીજા સ્થળોએ લગુત્તમ તાપમાન 9-11 ડિગ્રી વચ્ચે હતુ. દિલ્હી અને બિહારના ઘણા વિસ્તારોમાં પણ ગાઢ ધુમ્મસ છવાયું હતુ. દિલ્હીમાં પાલમ અને સફદરગંજ વિસ્તારમાં વિઝિબિલિટી ઘટીને 50 મીટર રહી છે. દક્ષિણ પશ્ચિમ દિલ્હીમાં સવારના સમયે ગાઢ ધુમ્મસ રહ્યું હતુ અને તાપમાન ઘટીને 11.4 ડિગ્રી સુધી આવી ગયું હતુ. પટનામાં 10 ડિગ્રી તાપમાન રેકોર્ડ કરાયો છે.