નવી દિલ્હીઃ ઉત્તર ભારતમાં ગાઢ ધુમ્મસ અને તીવ્ર ઠંડી પડી રહી છે. જેના કારણે દેશના વિવિધ સ્થળોએથી દિલ્હી આવતી 24 ટ્રેનો મોડી ચાલી રહી છે. તેમજ ધુમ્મસની અસર હવાઈ સેવા ઉપર પણ પડી છે. જ્યારે ઘણા રાજ્યોમાં કડકડતી ઠંડીના કારણે શાળાઓ પણ બંધ રાખવામાં આવી હતી. ગાઢ ધુમ્મસમો રેલવે અને હવાઈ સેવાને માઠી અસર પડી છે. આ ઉપરાંત ઉત્તર ભારતના કેટલાક વિસ્તારમાં હિમ વર્ષાની આગાહી કરવામાં આવી છે જેથી આગામી દિવસોમાં ઠંડીમાં વધારાની આગાહી કરવામાં આવી છે.
સુત્રોના જણાવ્યા અનુસાર ગાઢ ધુમ્મસને પગલે ઓછામાં ઓછી 200 નિર્ધારિત ફ્લાઇટ મોડી પડી હતી. તેમાં સ્થાનિક અને આંતરરાષ્ટ્રીય ફ્લાઇટ્સનો સમાવેશ થાય છે. આ સિવાય ઓછામાં ઓછી 100 લાંબા અંતરની ટ્રેનો 2 થી 10 કલાક મોડી ચાલી રહી હતી. તેમાં દિલ્હી આવતી ટ્રેનોનો પણ સમાવેશ થાય છે.
દિલ્હી એરપોર્ટ પરથી 86 ફ્લાઈટ્સ મોડી પડી હતી. જ્યારે, અન્ય રાજ્યોમાંથી આવતી 70 ફ્લાઇટ્સ પણ પ્રભાવિત થઈ હતી. આ સિવાય જો ઈન્ટરનેશનલ ફ્લાઈટ્સની વાત કરીએ તો આવી 56થી વધુ ફ્લાઈટ્સ હતી અને બે મોડી પડી હતી. સવારે વિમાનની અવરજવર ખૂબ જ મુશ્કેલીથી શરૂ કરી શકાતી હતી. ઉપરાંત, 21 થી વધુ ફ્લાઇટ્સ રદ કરવામાં આવી હતી.
જમ્મુ-કાશ્મીરમાં શુષ્ક ઋતુ વચ્ચે કડકડતી ઠંડીમાં વધારો થયો છે. શીતલહેર વચ્ચે 20 જાન્યુઆરી સુધી લોકોને રાહત મળે તેવી આશા નથી. હવામાન વિભાગના જણાવ્યા અનુસાર, 17 જાન્યુઆરીએ વેસ્ટર્ન ડિસ્ટર્બન્સના કારણે પર્વતીય વિસ્તારોમાં હળવી હિમવર્ષા થઈ શકે છે. શ્રીનગર કરતાં જમ્મુમાં ઠંડી વધુ છે. જમ્મુમાં દિવસનું તાપમાન સામાન્ય કરતા 9.1 ડિગ્રી સેલ્સિયસ નીચે ઘટીને 9 થઈ ગયું હતું, જ્યારે શ્રીનગરમાં તાપમાન સામાન્ય કરતાં 6.8 ડિગ્રી ઓછું વધીને 12.9 ડિગ્રી સેલ્સિયસ થયું હતું. કાશ્મીરના મોટાભાગના વિસ્તારોમાં રાત્રિનું તાપમાન માઈનસમાં છે. દાલ સરોવર સહિત અન્ય જળાશયો પર બરફનું સ્તર છે. રાત્રે લેહમાં તાપમાન માઈનસ 11.2 ડિગ્રી સેલ્સિયસ નોંધાયું હતું.