જૂનાગઢઃ ગુજરાતમાં શિયાળાની વિદાય સાથે ઉનાળાના આગમનની ઘડિયો ગણાય રહી છે. સાથે કેટલાક વિસ્તારોમાં વહેલી સવારે ધૂમ્મસ જોવા મળી રહ્યું છે. જેમાં જુનાગઢમાં આજે શુક્રવારે વહેલી સવારે ગાઢ ધુમ્મસને લીધે વિઝિબીલીટી પણ ઘટી ગઈ હતી. અને ગરવા ગિરનારે જાણે સફેદ ચાદર ઓઢી હોય એવા દ્રશ્યો જોવા મળ્યા હતા.
જૂનાગઢ શહેર હિલસ્ટેશન બન્યુ હોય તેવા દ્રશ્યો આજે શુક્રવારે સવારે જોવા મળ્યા હતા. ધુમ્મસભર્યા વાતાવરણમાં વાહનોની લાઈટ ચાલુ રાખી લોકો રસ્તા પર પસાર થતા જોવા મળ્યા હતા. શહેરના મધુરમ, ઝાંઝરડા રોડ, મોતીબાગ, સાબલપુર તેમજ શહેરના મુખ્ય રોડ માર્ગ પર ધુમ્મસભર્યુ વાતાવરણ જોવા મળ્યું હતું. જ્યારે ગિરનાર પર રોપ-વેમાં જતા લોકોએ વાદળોની વચ્ચેથી પસાર થવાનો અનુભવ કર્યો હતો. ધુમ્મસભર્યા વાતાવરણના લીધે ભવનાથ ક્ષેત્રમાં પણ વાતાવરણ ખૂબ સૌંદર્ય ભર્યું જોવા મળ્યું હતું. બીજી તરફ ગિરનાર પર્વત પર ધુમ્મસ ભર્યા વાતાવરણના લીધે પર્વત ધુમ્મસમાં ઢંકાયો હતો. પ્રવાસીઓએ પણ આ ધુમ્મસનો આનંદમય અનુભવ લીધો હતો. આમ તો હિલસ્ટેશન પર ધુમ્મસ ભર્યું વાતાવરણ વધુ જોવા મળતું હોય છે ત્યારે શહેરમાં પણ વહેલી સવારથી ધુમ્મસ ભર્યા વાતાવરણના લીધે લોકોએ કુદરતી સૌંદર્યનો એક અલગ જ અનુભવ કર્યો હતો. તો બીજી તરફ વાહનચાલકોએ દિવસે પણ લાઈટો ચાલુ રાખી મુસાફરી કરી હતી.
જુનાગઢમાં મહાશિવરાત્રીના ભવનાથના મેળાની તૈયારીઓ શરૂ કરી દેવામાં આવી છે. હાલ વાતાવરણમાં દિવસે ગરમી અને રાત્રે ઠંડી એમ બે ઋતુનો અનુભવ થઈ રહ્યો છે. અને વહેલી સવારે કેટલાક વિસ્તારોમાં ઝાકળ અને કેટલાક વિસ્તારોમાં ગાઢ ધૂમ્મ્સ જોવા મળી રહ્યું છે.