અમદાવાદઃ ગુજરાતમાં છેલ્લા એક સપ્તાહથી લઘુત્તમ તાપમાનમાં આંશિક ઘટાડો થતાં તેમજ ઠંડા પવનોને કારણે લોકોને ચમકારો અનુભવાઈ રહ્યો છે. હાલ વહેલી સવારે ધૂમ્મસ, રાત્રે ઠંડી અને બપોરે હુંફાળા વાતાવરણનો અનુભવ થઈ રહ્યો છે. જો કે હવામાન વિભાગે આગામી પાંચ દિવસ માટે આગાહી કરી છે, જેમાં ત્રણ દિવસ બાદ ઠંડીમાં થોડો ઘટાડો થઈ શકે છે. આગામી ત્રણ દિવસ બાદ રાજ્યના તાપમાનમાં બેથી ત્રણ ડિગ્રી વધારો થતાં ઠંડીમાં થોડી રાહત મળી શકે છે.
ગુજરાતમાં ઉત્તરાણ બાદ લઘુત્તમ તાપમાનમાં આંશિક વધારો તેમજ ખાસ કરીને ઠંડા પવનોને કારણે ઠંડીનો ચમકારો અનુભવાઈ રહ્યો છે. જો કે વહેલી સવારે કેટલાક વિસ્તારોમાં ધૂમ્મસ જોવા મળી રહ્યું છે. મંગળવારે લઘુત્તમ તાપમાન જોઈએ તો ભૂજમાં 16 ડિગ્રી, નલીયામાં 11 ડિગ્રી, અમરેલીમાં 13 ડિગ્રી, રાજકોટ અને ભાવનગરમાં 14 ડિગ્રી, ભાવનગરના મહુવામાં 11 ડિગ્રી. ડીસામાં 11 ડિગ્રી, અમદાવાદ અને ગાંધીનગરમાં 12 ડિગ્રી તાપમાન નોંધાયું હતું. છેલ્લા ત્રણ દિવસથી ઠંડી વધી છે. તાપમાનમાં એકથી બે ડિગ્રીનો ઘટાડો થતાં ઠંડીનો ચમકારો અનુભવાઈ રહ્યો છે. હવામાન વિભાગની આગાહી અનુસાર આગામી ત્રણ દિવસ પછી તાપમાનમાં વધારો થશે. જેથી ઠંડી ઓછી થશે. હાલ ઉત્તર પ્રશ્ચિમથી ઉત્તરપૂર્વીય દિશા તરફ પવનની ગતિના લીધે ઠંડીનો ચમકારો જોવા મળી રહ્યો છે. આગામી દિવસોમાં રાજ્યમાં વરસાદની આગાહી નથી. આ ઉપરાંત વાદળછાયું વાતાવરણ રહે એવી પણ કોઈ શક્યતા હવામાન વિભાગ તરફથી વ્યક્ત કરવામાં આવી નથી. ત્રણ દિવસ બાદ ઠંડીનો ચમકારો ઓછો અનુભવાઈ શકે છે.
હવામાન વિભાગના જણાવ્યા અનુસાર હાલમાં ઉત્તર પશ્ચિમ તરફથી ઉત્તર પૂર્વ દિશા તરફ પવનો ફૂંકાઈ રહ્યા છે, એને કારણે સમગ્ર રાજ્યમાં ઠંડીનો અનુભવ થઈ રહ્યો છે, પરંતુ આગામી ત્રણ દિવસ બાદ પવનની ગતિ બદલાતાં રાજ્યના તાપમાનમાં વધારો નોંધાઈ શકે છે.