Site icon Revoi.in

અમદાવાદમાં શાળાઓ બહાર DEO, RTO અને પોલીસની સરપ્રાઈઝ ડ્રાઈવ

Social Share

અમદાવાદઃ શહેરમાં જિલ્લા શિક્ષણાધિકારી, આરટીઓ અને ટ્રાફિક પોલીસ દ્વારા આજે સવારથી સ્કૂલોની બહાર સરપ્રાઇઝ ડ્રાઈવનું આયોજન કરવામાં આવ્યું હતું. સ્કૂલે વાહન લઈને આવતા વિદ્યાર્થીઓ માટે ડ્રાઈવ યોજવામાં આવી હતી. આજે સવારથી શરૂ થયેલી ડ્રાઈવમાં શાહીબાગ રાજસ્થાન સ્કૂલ બહારથી RTO અને પોલીસ દ્વારા વાહનચાલકો પાસેથી નિયમ ભંગ બદલ 50 હજાર કરતાં વધુનો દંડ કરવામાં આવ્યો હતો.

અમદાવાદ ગ્રામ્ય DEO દ્વારા બે દિવસ પહેલા સ્કૂલોમાં બિનઅધિકૃત વાહન લઈને આવતા વિદ્યાર્થીઓ તથા વાલીઓ સામે કાર્યવાહી કરવાની જાહેરાત કરી હતી. ત્યારબાદ આજથી સ્કૂલ બહાર ડ્રાઈવ શરૂ કરવામાં આવી હતી. જે દરમિયાન ગ્રામ્ય DEO કૃપા ઝા, ટ્રાફિક વિભાગ તથા RTO વિભાગના અધિકીઓએ ડ્રાઈવમાં જોડાયા હતા. શહેરના ઈસરો સામે આવેલી નારાયણગુરુ વિદ્યાલય બહાર ડ્રાઈવ યોજવામાં આવી હતી. જે દરમિયાન અનેક વિદ્યાર્થીઓ લાઇસન્સ કે હેલ્મેટ વિના ઝડપાયા હતા. જેમની સામે કાર્યવાહી કરવામાં આવી હતી.

ગ્રામ્ય DEO કૃપા ઝાએ જણાવ્યું હતું કે, સ્કૂલોમાં કેટલાંક બાળકો બિનઅધિકૃત રીતે વાહન લઈને આવતાં હોય છે. જેના કારણે ક્યારેક અકસ્માત થાય છે. જેથી અકસ્માત ના થાય તથા બાળકો નિયમોના પાલન સાથે વાહન ચલાવે તે માટે આજે ડ્રાઈવનું આયોજન કરવામાં આવ્યું હતું. આ ડ્રાઈવ દરમિયાન કેટલાંક બાળકો નિયમોનો ભંગ કરી રહ્યાં હતાં, જેમની સામે નિયમ મુજબની કાર્યવાહી કરવામાં આવી રહી છે. આ ડ્રાઈવમાં આરટીઓ અને ટ્રાફિક પોલીસનો પણ સહયોગ મેળવવામાં આવ્યો હતો.

અમદાવાદ શહેર DEO દ્વારા ડ્રાઈવનું આયોજન કરવામાં આવ્યું હતું. જેમાં બિનઅધિકૃત વાહન લઈને સ્કૂલે આવતા વિદ્યાર્થીઓ તથા વાલીઓ સામે કાર્યવાહી તથા સ્કૂલની અંદર સેફ્ટી અને સાયબર ક્રાઈમ અંગેની તાલીમ આપ્યા બાદ સ્કૂલ તરફથી કોઈ કામગીરી કરવામાં આવી છે કે નહીં તેની ચકાસણી કરવામાં આવી હતી. શાહીબાગમાં આવેલી રાજસ્થાની હિન્દી હાઇસ્કૂલ, એચ.બી. કાપડિયા સ્કૂલ, ગિરધરનગર સ્કૂલ, સંસ્કાર વિદ્યા નિકેતન હાઇસ્કૂલ અને રોઝરી સ્કૂલમાં ડ્રાઈવ યોજવામાં આવી હતી. આ ડ્રાઈવમાં આરટીઓ પોલીસ હાજર રહી હતી.

ફાયર ઓફિસર ઓમ જાડેજાએ જણાવ્યું હતું કે, શિક્ષણ વિભાગ દ્વારા સ્કૂલોમાં ફાયર સેફ્ટી બાબતે તપાસ કરવા અંગે જણાવવામાં આવ્યું હતું. જેથી અલગ અલગ સ્કૂલોમાં તપાસ ચાલુ કરવામાં આવી છે. સ્કૂલોમાં ફાયર સેફ્ટીનાં સાધનો ચાલુ હાલતમાં છે કે નહીં તે તપાસ કરવામાં આવી હતી. આ ઉપરાંત વિદ્યાર્થીઓ અને શિક્ષકોને ફાયર સેફ્ટી ઉપકરણો અંગે જાણકારી છે કે નહીં તે બાબતે પણ તપાસ કરવામાં આવી છે.