Site icon Revoi.in

એક લાખથી વધુનો દારૂ પકડાશે તો જ સ્થાનિક પોલીસ સામે ખાતાકીય કાર્યવાહી કરાશે

Social Share

ગાંધીનગરઃ ગુજરાતમાં જે તે પોલીસ સ્ટેશન વિસ્તારમાં રૂપિયા 5000થી 25000નો દેશી કે વિદેશી દારૂ પકડાય તો સ્થાનિક પોલીસ સામે ખાતાકીય કાર્યવાહી કરવામાં આવતી હતી. આ પ્રક્રિયાના કારણે જે પોલીસ સામે ઇન્કવાયરી થઈ રહી હોય એમાં ઘણા સમયે લાગતો હતો. કામનું ભારણ વધતું હતું અને સરકારી સ્ટેશનરી અને મશીનરીનો પણ વધુ ઉપયોગ થયો હતો. હવે ગૃહ વિભાગે જૂના નિયમોમાં ફેરફાર કર્યો છે. જે નવો પરિપત્ર જાહેર કરવામાં આવ્યો છે. જે મુજબ હવે  હવે એક લાખ અને અઢી લાખ જેટલી દારૂની રકમ હશે ત્યારબાદ ખાતાકીય ઇન્કવાયરી કરવામાં આવશે.

ગુજરાતમાં સ્ટેટ મોનિટરિંગ સેલ કે અન્ય એજન્સીઓ દ્વારા જે તે પોલીસ સ્ટેશન વિસ્તારમાંથી રૂપિયા 5000થી 25000ની કિંમત સુધીનો દારૂ પકડાયા તો સ્થાનિક પોલીસ સ્ટેશનના જવાબદાર કર્મચારી સામે ખાતાકીય તપાસ કરવામાં આવતી હતી. તેમાં પણ ખાસ કરીને ખાતાકીય ઇન્કવાયરી પોલીસ સામે પોલીસ જ કરતી હતી. પરંતુ હવે તેમાં થોડો બદલાવ થયો છે. અને તેમાં પણ ખાસ કરીને જે દારૂની રકમ હોય તેના આધારે ખાતાકીય ઇન્કવાયરીમાં નવો સુધારો કરવામાં આવ્યો છે. પહેલા 5000થી 25000 સુધીનો દારૂ પકડાય ત્યારે પોલીસ દ્વારા સ્થાનિક પોલીસ સામે ઇન્કવાયરી કરવામાં આવતી હતી, જે હવે એક લાખ અને અઢી લાખ જેટલી દારૂની રકમ હશે ત્યારબાદ ખાતાકીય ઇન્કવાયરી કરવામાં આવશે.

રાજ્યના ગૃહ વિભાગ દ્વારા આ અંગે  લાંબા સમયથી વિચારણા કરવામાં આવી રહી હતી અને એક કારણ એવું પણ હતું કે, આ પ્રક્રિયાના કારણે જે પોલીસ કર્મચારીઓ સામે ઇન્કવાયરી થઈ રહી છે, તેમાં ઘણા સમય લાગતો હતો. તેમજ સરકારી સ્ટેશનરી અને મશીનરીનો પણ વધુ ઉપયોગ થતો હતો, ત્યારે આ સમગ્ર કાર્યવાહી મોટા સ્તરે અને મોટા જવાબદાર લોકો સામે કરવામાં આવે અને જેના કારણે આખી વ્યવસ્થા ઓછા ભારણવાળી બને તે માટે આયોજન કરવામાં આવવું જોઈએ. હવે તેમાં સુધારો કરીને આ પ્રકારની પ્રક્રિયા હાથ ધરવામાં આવશે. સિનિયર આઇપીએસ અધિકારીઓ પાસેથી મળતી માહિતી પ્રમાણે અગાઉ જે ક્વોલિટી કેસની ઇન્કવાયરી ચાલી રહી છે, તે એ પ્રમાણે ચાલશે. પરંતુ હવે જે નવા ક્વોલિટી કેસ થશે, તેના ધારા ધોરણ બદલાયા છે અને તે નવી પ્રક્રિયા પ્રમાણે પૂર્ણ થશે.

જૂનો પરિપત્ર આમુખમાં દર્શાવેલા ઠરાવના પારા-3માં નશાબંધી ધારાના ભંગ બદલ શોધાયેલા કેસને ગણનાપાત્ર કેસ ગણવા માટે નિયત કરેલા નોર્મ્સમાં રેડ દરમિયાન પકડાયેલ દેશી દારુ, વિદેશી દારુ અને નશીલા પદાર્થના મુદ્દામાલની જે કિંમત મર્યાદા તથા દેશી દારુના મુદ્દામાલમાં પકડાયેલા દેશી દારુની કિંમત, વોશ કે દેશી દારુની બનાવટના માટેનો કાચો માલ-સામાન, દારુ બનાવવા માટેનો પકડાયેલા તમામ સાધનોની કિંમત ધ્યાને લેવાનું ઠરાવેલું હતું.

નવો પરિપત્ર રાજ્ય સરકાર નશાબંધી નીતિને વરેલી છે અને તે માટે નશાબંધી અધિનિયમ, 1949નો રાજ્યમાં વ્યવસ્થિત અને કડક રીતે અમલ થાય તે આવશ્યક અને અનિવાર્ય છે. આ બદી નાબૂદ કરવામાં સુપરવાઈઝરી અધિકારીઓ સહિતના જે સ્થાનિક પોલીસ ખાતાના અધિકારીઓ ઉદાસીનતા, નિષ્ક્રિયતા કે બિન કાર્યક્ષમતા દાખવે તેવાં સંબંધિત અધિકારી/કર્મચારીઓ વિરૂદ્ધ ખાતારાહે પગલાં લેવા તથા તેમના ખાનગી અહેવાલમાં વિરુદ્ધ નોંધ લેવા અંગેની સંકલિત સૂચનાઓ વંચાણે લીધેલા ક્રમાંક(1) ના ઠરાવથી અમલમાં છે.