Site icon Revoi.in

હીરા ઉદ્યાગમાં મંદી, નાના કારખાનેદારોએ વેકેશન જાહેર કરતા રત્ન કલાકારો વતન જવા રવાના

Social Share

સુરત :  અમેરિકા અને યુરોપના દેશોમાં મંદી તેમજ રશિયા અને યુક્રેન વચ્ચે યુદ્ધને લીધે ગુજરાતમાં હજારો લોકોને રોજગારી આપતા હીરા ઉદ્યોગ પર મંદીની અસર પડી છે. હીરાની નિકાસમાં પણ ઘટાડો થયો હતો. ત્યાં જ  બ્રિટન સરકારે રશિયાના હીરા પર પ્રતિબંધ મુકતા હાલત વધુ કફોડી બની હતી. અમેરિકાની કેટલીક કંપનીઓ અને બ્રિટન બાદ હવે દુબઈ પણ સુરતના હીરા વેપારીઓને પૂછી રહ્યાં છે કે જે હીરા અને જ્વેલરી તેઓ મોકલી રહ્યા છે તે રશિયાના માઇન્સમાંથી આવેલા રફ ડાયમંડથી તૈયાર થયેલા તો નથી ને ? આ સ્થિતિને  કારણે સુરતમાં નાના કારખાનાના માલિકોએ રત્ન કલાકારોને રજા આપી દીધી, જેને કારણે રત્ન કલાકારો પોતાના વતન જવા રવાના થઈ ગયા છે.

હીરા ઉદ્યોગ સાથે સંકળાયેલા સૂત્રોના કહેવા મુજબ રશિયા અને યુકેન વચ્ચેના યુદ્ધને સવા વર્ષ વીતી ગયું છે. તેની અસર  દુનિયાના અર્થતંત્ર પર પડી છે. યુરોપના અનેક દેશો પર વિપરીત અસર પડી રહી છે. તે સિવાય હાલ અમેરિકામાં પણ મંદીનો માહોલ છે. સુરતમાં તૈયાર થતા હીરા માટે અમેરિકા, યુરોપ અને ચીન સહિતના દેશો મોટા ખરીદારો છે. વૈશ્વિક મંદીને લીધે સુરતના હીરા ઉદ્યોગકારો માટે સમસ્યા ઉભી થઈ છે. ડિમાન્ડના અભાવે કારખાનાઓમાં વેકેશન રાખવાની નોબત આવી છે. અનેક કારખાનામાં કામના કલાકો ઘટાડવામાં આવ્યા છે.  એપ્રિલ મહિનામાં નેચરલ ડાયમંડની નિકાસમાં 35 ટકાનો ઘટાડો થયો હતો. એક બાજુ હીરા ઉદ્યોગ સામે પહેલાથી જ સમસ્યા છે, ત્યારે અમેરિકા બાદ બ્રિટેન સરકારે રશિયાના હીરા પર પ્રતિબંધ મૂકતા નવી સમસ્યા ઉભી થઈ છે.  બ્રિટન સરકારે બે દિવસ પહેલા જ રશિયાના હીરા સહિત અન્ય ચાર ધાતુઓ પર પ્રતિબંધ મુક્યો છે. છેલ્લા એક વર્ષથી દુનિયાના કેટલાક દેશો પ્રત્યક્ષ કે અપ્રત્યક્ષ રીતે હીરા ઉદ્યોગકારો પર રશિયાના હીરાનો વેપાર નહીં કરવા દબાણ કરી રહ્યા છે. જેની અસર થતા ઓછા અંશે વેપાર પર જોવા મળી રહી છે. અમેરિકા બાદ હવે બિટન પણ આ દિશામાં જોડાતા હીરા ઉદ્યોગકારોની સમસ્યા વધી છે.  એપ્રિલ મહિનામાં 31% એક્સપોર્ટમાં ઘટાડો નોંધાયો છે જ્યારે બીજી બાજુ રફ ડાયમંડની ખરીદી 10% વધારે થઈ છે જે આવનાર દિવસોમાં મુશ્કેલી સર્જી શકે છે. 60% વેપાર અમેરિકા સાથે થાય છે અને અમેરિકાની કેટલીક કંપનીઓએ જણાવ્યું છે કે, તેઓ રશિયાના ડાયમંડથી તૈયાર જ્વેલરી ખરીદશે નહીં અને હવે બ્રિટેન અને દુબઈ પણ આવી જ રીતે ડીલ કરી રહ્યા છે.  હીરા માર્કેટમાં ઉદભવેલી આ સ્થિતિને કારણે નાના કારખાના હાલ બંધ થયા છે.

સૂત્રોએ ઉમેર્યું હતું કે ગુજરાતમાં લાખો પરિવારોને રોજગારી આપતો હીરા ઉદ્યોગ હાલ કફોડી સ્થિતિનો સામનો કરી રહ્યો છે. ત્યારે  રત્ન કલાકારો  માટે રાહત પેકેજ સરકાર જાહેર કરે એવી રજુઆત વેપારીઓ દ્વારા કરવામાં આવી છે. કેટલીક હીરાની કંપનીઓએ માર્કેટ સુધરે નહીં ત્યાં સુધી કારખાનાં બંધ રાખવાની કારીગરોને જાણ કરી દીધી છે.