ડીસાઃ મુકબધીર સગીરા ઉપર બળાત્કાર ગુજારીને હત્યા કેસમાં આરોપીને ફાંસીની સજાનો આદેશ
અમદાવાદઃ બનાસકાંઠાના ડીસામાં 11 વર્ષની મુકબધીર સગીરાનું અપહણ કરીને તેની ઉપર બળાત્કાર ગુજાર્યા બાદ તેની ઘાતકી હત્યા કરવાના ચકચારી કેસમાં અદાલતે આરોપીને ગુનેગાર ઠરાવીને ફાંસીની સજાનો આદેશ કર્યો હતો. ડીસા કોર્ટના ઈતિહાસમાં પ્રથમ વાર કોઈ આરોપીને ફાંસીની સજા થઈ હોવાનું જાણવા મળે છે.
કેસની હકીકત અનુસાર દાંતીવાડા તાલુકામાં 11 વર્ષીય મુકબધીર બાળકીની લાશ મળી આવી હતી. આ બનાવની જાણ થતા પોલીસની ટીમ તાત્કાલિક સ્થળ પર દોડી ગયા હતા. પોલીસની તપાસમાં મૃતક બાળકી ડીસાની હોવાનું ખૂલ્યું હતું. હત્યારાએ ગળુ કાપીને તેની ઘાતકી હત્યા કરી હતી. આ અંગે પોલીસે ગુનો નોંધીને સીસીટીવી કેમેરાના ફુટેજના આધારે ગણતરીના કલાકોમાં જ આરોપીને ઝડપી લઈને જેલના સળિયા પાછળ ધકેલી દીધો હતો. હત્યારો મૃતક બાળકીના મામાનો દીકરો એટલે પિતરાઈ ભાઈ જ હોવાનું સામે આવ્યું હતું. આ કેસ સ્થાનિક અદાલતમાં ચાલી ગયો હતો. સરકારી વકીલે દસ્તાવેજી પુરાવાઓ રજૂ કરીને સાક્ષીઓને તપાસ્યા હતા. તેમજ આરોપીને સમાજમાં દાખલો બેસે તેવી આકરી સજાની માંગણી કરી હતી. બીજી તરફ બચાવપક્ષના વકીલે પણ ધારદાર રજૂઆત કરી હતી. કોર્ટે સુનાવણીના અંતે આરોપીને કસુરવાર ઠરાવ્યો હતો. હત્યારાએ બાળકીનું અપહરણ કરીને અવાવરુ જગ્યાએ લઈ ગયો હતો. જ્યાં તેની ઉપર બળાત્કાર ગુજાર્યા બાદ ગળુ કાપીને તેની હત્યા કરી હતી. કોર્ટે સુનાવણીના અંતે આરોપીને કસુરવાર ઠરાવ્યો હતો. તેમજ આરોપીને ફાંસીની સજાનો આદેશ કર્યો હતો. પીડિત પરિવારે કોર્ટના આદેશને આવકાર્યો હતો.