અમદાવાદઃ શહેરમાં દર વર્ષે અષાઢી બીજના દિવસે પરંપરાગત રીતે ભગવાન જગન્નાથજીની રથયાત્રા યોજાય છે. આવતીકાલથી રથયાત્રાની તૈયારીઓ શરૂ કરવામાં આવશે. દરમિયાન અમદાવાદ શહેરમાંથી દેશી બોમ્બ મળી આવતા ખળભળાટ મચી ગયો છે. અમદાવાદ ક્રાઈમબ્રાન્ચે ચાર દેશી બોમ્બ અને છરા સાથે યુવાનની ધરપકડ કરી હોવાનું જાણવા મળે છે.
પ્રાપ્ત માહિતી અનુસાર અમદાવાદમાં ઈદના તહેવારને ધ્યાનમાં રાખીને પોલીસ દ્વારા ચુસ્ત બંદોબસ્ત તૈનાત કરવામાં આવ્યો છે. આવતીકાલે અખાત્રીજના પાવન પર્વથી પરંપરાગત ભગવાન જગન્નાથજીની રથયાત્રાની તૈયારીઓ શરૂ થશે. આવતીકાલે મંદિરના મહંત અને ટ્રસ્ટીઓની હાજરીમાં ત્રણેય રથનું પૂજન કરવામાં આવશે. દરમિયાન પોલીસ દ્વારા રિવરફ્ન્ટ ખાતેથી જાવેદ ઉર્ફે બાબા બલોચ નામના શખ્સને ઝડપી લીધો હતો. તેની પાસેથી ચાર દેશી બોમ્બ અને છરો મળી આવતા ક્રાઈમબ્રાન્ચના અધિકારીઓ પણ ચોંકી ઉઠ્યાં હતા. બોમ્બ સ્કવોર્ડ દ્વારા દેશી બોમ્બને નિષ્ક્રિય કરવામાં આવ્યાં હતા.
ક્રાઈમબ્રાન્ચે આ અંગે ગુનો નોંધીને જાવેદના રિમાન્ડ મેળવવાની કવાયત આરંભી છે. તેમજ બોમ્બ ક્યાંથી અને કોની પાસેથી લાવ્યો હતો. તે અંગેની પણ તપાસ શરૂ કરી છે. પોલીસની તપાસમાં ચોંકાવનારા ખુલાસા થવાની શકયતા છે.