દેશી ગર્લ પ્રિયંકા ચોપડાનો જન્મદિવસ, બોલિવુડથી હોલિવુડ સુધીની સફર દરમિયાન કર્યો ભારે સંધર્ષ
- પ્રિયંકા ચોપડાનો 39મો જન્મદિવસ
- ભારે સંઘર્ષ બાદ બોલિવુડથી હોલિવુડ સુધીની કરી સફર
- અનેક મોટા સ્ટાર્સ સાથે કર્યુ ફિલ્મોમાં કામ
મુંબઈ : બોલિવુડમાં પોતાની એક્ટિંગના દમ પર નામ કર્યા બાદ, હવે હોલિવુડમાં પોતાની અલગ છાપ બનાવનાર પ્રિયંકા ચોપડા આજે પોતાનો 39મો જન્મદિવસ ઉજવી રહી છે. વર્ષ 2002માં તમિળ ફિલ્મ ‘થમિજન’થી ફિલ્મ જગતમાં પગ મૂકનાર પ્રિયંકા ચોપડાએ તેની કારકીર્દિમાં ઘણા મોટા સ્ટાર્સ સાથે 19 વર્ષ સુધી કામ કર્યું છે. તેણે ‘મેરી કોમ’ જેવી ફિલ્મોની સફળતાની જવાબદારી તેના ખભા પર લીધી. આજે પ્રિયંકા તે અભિનેત્રીઓમાંની એક છે જે એક અભિનેતાની જેટલી ફી લે છે.
પ્રિયંકા ચોપરાનો જન્મ 18 જુલાઈ 1982 ના રોજ જમશેદપુરમાં થયો હતો. પ્રિયંકા રાયબરેલીની રહેવાસી છે અને ત્યાંથી તેણે અભ્યાસ કર્યો હતો.
પ્રિયંકા ચોપડાએ 18 વર્ષની ઉંમરે વર્ષ 2000માં મિસ વર્લ્ડનો ખિતાબ જીત્યો હતો. આ ટાઇટલ જીતવાની સાથે જ પ્રિયંકા ચોપરાએ કહ્યું હતું કે, તે બોલિવુડની રાણી બનવાની તૈયારીમાં છે. જોકે પ્રિયંકા ચોપડાએ વર્ષ 2002માં તમિલ ફિલ્મમાં પ્રવેશ કર્યો હતો, પરંતુ 2003માં તેને બીજી મુખ્ય અભિનેત્રી તરીકે સન્ની દેઓલની ફિલ્મ ‘ધ હીરો’માં કામ કરવાની તક મળી. આ ફિલ્મ પછી, પ્રિયંકા ચોપરાએ વર્ષ 2003માં જ અક્ષય કુમાર સાથે ફિલ્મ ‘અંદાઝ’ માં કામ કર્યું હતું, પરંતુ આ ફિલ્મની મુખ્ય અભિનેત્રી લારા દત્તા હતી.
જો કે પ્રિયંકા ચોપડાએ વર્ષ 2018માં આંતરરાષ્ટ્રીય ગાયક નિક જોનાસ સાથે ભારતમાં ખૂબ જ ધામધૂમથી લગ્ન કર્યા. તેઓએ હિન્દુ અને ખ્રિસ્તી રિવાજ મુજબ લગ્ન કર્યા.પ્રિયંકા ચોપડા અમેરિકામાં નિક જોનાસ સાથે રહે છે અને તે ભાગ્યે જ ભારત આવે છે. આજે પ્રિયંકા બોલિવુડની સાથે સાથે હોલીવુડની સફળ અભિનેત્રી છે.