પાલનપુરઃ ગુજરાતમાંથી મેઘરાજાએ વિદાય લઈ લીધી છે. પરંતુ બનાસકાંઠામાં સીઝનનો 71 ટકા જ વરસાદ પડ્યો હતો છતાં જિલ્લામાં જળાશયો ખાલીખમ રહ્યા છે. જિલ્લાના ત્રણેય ડેમમાં નવા પાણીની આવક ન થતા આગામી વર્ષ ખેતી અને પીવાના પાણી માટે કઈ રીતે નીકળશે તેને લઈને સવાલો ઊભા થયા છે. દાંતીવાડા મુક્તેશ્વર અને સીપુ ડેમ પર બનાસકાંઠા જિલ્લાના અનેક ખેડૂતોને સિંચાઈ નિર્ભર છે. જ્યારે પીવાના પાણીના મુખ્ય સ્ત્રોત તરીકે આ જળાશયો અગત્યના છે. સીપુ અને મુક્તેશ્વર બંને ડેમ તળિયા ઝાટક હોવાથી પીવાનું પાણી ક્યાંથી આવશે તે સૌથી મોટો યક્ષપ્રશ્ન છે.
બનાસકાંઠા જિલ્લામાં આ વર્ષે 71 ટકા સરેરાશ વરસાદ નોંધાયો હતો. જિલ્લાના જળાશયોમાં નવા નીરની આવક વરસાદી સિઝનમાં થઈ ન હતી. જિલ્લાના મુખ્ય જળાશય દાંતીવાડામાં ન માત્ર કહી શકાય તેટલું નવું પાણી આવ્યું. જે આગામી સમયમાં સિંચાઈ અને પીવાના પાણી માટે પુરુતું નથી. જ્યારે સીપુ અને મુક્તેશ્વર ડેમમાં એક ટીપું પણ નવું પાણી આવ્યું નહીં. સીપુ ડેમમાં એક ટીપું પણ પાણી રહ્યું નથી. જ્યારે દાંતીવાડામાં પીવા માટે આપી શકાય તેટલા પાણીનો જથ્થો ઉપલબ્ધ છે. જ્યારે મુક્તેશ્વરમાં પણ ન માત્ર જેવું પાણી બાકી રહ્યું છે. વરસાદ બાદ પણ જળાશયો ખાલીખમ રહેતા ખેડૂતો અને સ્થાનિકો પર આફતના વાદળ ઘેરાયા છે. ખેડૂતો ખેતી કઈ રીતે થશે તે ચિંતા વ્યક્ત કરી રહ્યા છે. જ્યારે ડેમ આધારિત પીવાનું પાણી મેળવતા લોકો પીવાનું પાણી કઈ રીતે મળશે તે ચિંતા વ્યક્ત કરી રહ્યા છે.
દાંતીવાડા મુક્તેશ્વર અને સીપુ ડેમ પર બનાસકાંઠા જિલ્લાના અનેક ખેડૂતોને સિંચાઈ નિર્ભર છે. જ્યારે પીવાના પાણીના મુખ્ય સ્ત્રોત તરીકે આ જળાશયો અગત્યના છે. સીપુ અને મુક્તેશ્વર બંને ડેમ તળિયા ઝાટક હોવાથી પીવાનું પાણી ક્યાંથી આવશે તે સૌથી મોટો યક્ષપ્રશ્ન છે. જ્યારે દાંતીવાડા ડેમમાં પીવા પૂરતું પાણી હોવાથી આ પાણી કેટલા લોકોની તરસ બુઝાવશે તે પણ સવાલ છે. સ્થાનિક ધારાસભ્યની માંગ છે કે બનાસકાંઠા જિલ્લામાં આગામી દિવસોમાં જળ સંકટ વધુ ઘેરુ બનશે. ત્યારે સરકાર આગોતરું આયોજન કરી જે જળાશયો ખાલીખમ રહ્યા છે તે જળાશયો આધારિત સિંચાઈ અને પીવાનું પાણી મેળવતા વિસ્તારમાં વૈકલ્પિક વ્યવસ્થા કરવી જરૂરી છે. અન્યથા જળસંકટ મોટી મુશ્કેલી ઊભી કરશે.