રજિસ્ટ્રેશન ફીમાંથી મુક્તિ છતાંયે અમદાવાદમાં મહિલાઓના નામે 10 ટકા મિલ્કતો ખરીદાતી નથી
અમદાવાદઃ વિશ્વભરમાં આજે આંતરરાષ્ટ્રીય મહિલા દિવસની ઊજવણી થઇ રહી છે, મહિલાઓનું માન-સન્માન વધે તે માટે સરકાર દ્વારા પણ પ્રયાસો કરવામાં આવતા હોય છે. ગુજરાતમાં મહિલાના નામે મિલ્કત ખરીદીમાં રજિસ્ટ્રેશન ફીમાંથી મુક્તિ આપવામાં આવે છે. રાજ્ય સરકારે એક દાયકા પહેલાં આ સ્કીમ જાહેર કરી હતી. જેમાં મહિલાઓના નામે મિલકતની ખરીદી કરવામાં આવે તો રજિસ્ટ્રેશન ફીમાંથી મુક્તિ આપવામાં આવતી હતી પણ રાજ્ય સરકારનું પ્રોત્સાહન છતાં મહિલાઓના નામે મિલકતની ખરીદી ઓછી કરવામાં આવે છે. અમદાવાદ શહેરમાં આજેપણ માતા, બહેન, દીકરી કે પત્નીના નામે મિલકતો ખરીદીમાં ઉદાસીન જોવા મળે છે. શહેર અને જિલ્લામાં દર વર્ષે મહિલાઓના નામે માત્ર 10 ટકા મિલકતોની ખરીદી કરવામાં આવે છે, જેની સબ રજિસ્ટ્રાર કચેરીઓમાં દસ્તાવેજની નોંધણી થાય છે.
સૂત્રોના જણાવ્યા મુજબ અમદાવાદ શહેરમાં તા.1લી જાન્યુઆરીથી 31મી ડિસેમ્બર 2021ના દરમિયાન કુલ 2.65 લાખ દસ્તાવેજોની નોંધણી થઇ હતી જે પૈકી માત્ર 26 હજાર દસ્તાવેજો મહિલાઓના નામે નોંધવામાં આવ્યા છે જ્યારે આ પહેલાં તા.1લી જાન્યુઆરીથી 31મી ડિસેમ્બર 2022 દરમિયાન અંદાજે 1.36 લાખ જેટલા દસ્તાવેજ નોંધવામાં આવ્યા હતા જે પૈકી 15 હજારથી વધુ દસ્તાવેજો મહિલાઓના નામે નોંધવામાં આવ્યા હતા. આમ, શહેરમાં બે વર્ષથી સરેરાશ માંડ 9થી 10 ટકા દસ્તાવેજો મહિલાઓના નામે નોંધાયા છે. રાજ્ય સરકારે 2021ના વર્ષમાં મહિલાઓના નામે નોંધાયેલા 26 હજાર દસ્તાવેજોમાં અંદાજે રુ.108 કરોડની રજિસ્ટ્રેશન ફીની માફી આપી હતી.
રાજ્ય સરકારના મહેસૂલ વિભાગ દ્વારા વર્ષ 2010માં અમદાવાદ શહેર સહિત રાજ્યભરમાં મહિલાઓના નામે મિલકતની ખરીદી કરવામાં આવે તે માટે સ્કીમ જાહેર કરી હતી. જો પુરુષના નામે મિલકતની વેચાણનો દસ્તાવેજ કરવામાં આવે તો તેવા સંજોગોમાં 4.90 ટકા સ્ટેમ્પ ડ્યુટી અને 1 ટકો રજિસ્ટ્રેશન ફી ભરવી પડે છે પણ મહિલાઓના નામે મિલકતનો દસ્તાવેજ કરવામાં આવે તો તેવા સંજોગોમાં મહિલાઓને એક ટકો રજિસ્ટ્રેશન ફીમાંથી મુક્તિ આપવાનો નિર્ણય કરાયો હતો જોકે, રાજ્ય સરકારની સ્કીમના એક દાયકા બાદ પણ સ્થિતિમાં કોઇ ફેર પડ્યો નથી. અમદાવાદ શહેરમાં આજેપણ કુલ દસ્તાવેજની નોંધણીના 9થી 10 ટકા દસ્તાવેજની નોંધણી મહિલાઓના નામે થાય છે.
સૂત્રોએ વધુમાં જણાવ્યું હતું કે, રાજ્ય સરકારે ગુજરાત વિધાનસભામાં જાહેર કરેલા આંકડા મુજબ, છેલ્લા બે વર્ષ એટલે કે, વર્ષ 2020 અને 2021માં અમદાવાદ શહેર અને જિલ્લામાં કુલ 4,04,661 દસ્તાવેજોની નોંધણી થઇ હતી જે પૈકી અમદાવાદ શહેરમાં 3,28,381 દસ્તાવેજની નોંધણી થઇ હતી જ્યારે અમદાવાદ જિલ્લામાં કુલ73,280 દસ્તાવેજોની નોંધણી થઇ હતી. છેલ્લા બે વર્ષમાં અમદાવાદ શહેરમાં સ્ટેમ્પ ડ્યુટીની રુ.2959.27 કરોડની આવક થઇ હતી જ્યારે રજિસ્ટ્રેશન ફીની 519.24 કરોડની આવક થઇ હતી. છેલ્લા બે વર્ષમાં અમદાવાદ જિલ્લામાં સ્ટેમ્પ ડ્યુટીની 617.09 કરોડની આવક થઇ હતી જ્યારે 118.10 કરોડની રજિસ્ટ્રેશન ફીની આવક થઇ હતી. છેલ્લા બે વર્ષમાં રાજ્ય સરકારને અમદાવાદ શહેર અને જિલ્લામાં 4,01,661 દસ્તાવેજની નોંધણી થઇ હતી જે પૈકી સ્ટેમ્પ ડ્યુટીની રુ. 3576.36 કરોડની આવક થઇ હતી જ્યારે રજિસ્ટ્રેશન ફી પેટે રુ. 637.34 કરોડની આવક થઇ હતી. છેલ્લા એક દાયકામાં અમદાવાદ શહેર અને જિલ્લામાં સતત સ્ટેમ્પ ડ્યુટીની આવકમાં વધારો જોવા મળ્યો છે. અમદાવાદ શહેરમાં પતિ-પત્નીના નામે સંયુક્ત મિલકત ખરીદીના દસ્તાવેજ આવે છે પણ તેમાં રજિસ્ટ્રેશન ફીની મુક્તિ મળતી નથી. મોટાભાગે ખાનગી નોકરી કરનારા દંપતિ બે ભેગા મળીને મકાન કે મિલકતો વસાવતા હોય છે. આવા કિસ્સામાં સંયુક્ત ખરીદીનો દસ્તાવેજ કરવામાં આવે છે જેમાં રજિસ્ટ્રેશન ફીની મુક્તિનો લાભ મળતો નથી.(file photo)