Site icon Revoi.in

કપાસના સારા ભાવ મળતા હોવા છતાં આ વર્ષે કપાસનું વાવેતર વધી શક્યું નહીં

Social Share

રાજકોટઃ રાજ્યમાં મેઘરાજાના સમયસરના આગમનને લીધે મોટાભાગના વિસ્તારોમાં ખરીફ પાકનું વાવેતર પૂર્ણ થઈ ગયું હતું. જો કે, ત્યારબાદ કેટલાક વિસ્તારોમાં વરસાદ ખેંચાતા ખેડૂતો ચિંતિત બન્યા છે. આકાશમાં વાદળો ગોરંભાયેલા છે, પણ મેઘરાજા મન મુકીને વરસતા નથી. સરકારી ચોપડે વાવણી પાછલા વર્ષથી સહેજ વધીને 70.67 લાખ હેક્ટર સુધી પહોંચી ગઇ છે પણ હવે વરસાદ ન પડતા પાકના વિકાસ અને ઉતારા અંગે ચિંતા છે. મગફળીનું વાવેતર ઘણું ઘટ્યું છે. તો બીજી તરફ કપાસનું વાવેતર ભારેખમ તેજીને લીધે રેકોર્ડબ્રેક થશે એ ધારણા ખોટી પડી હોવાનું કૃષિ તજજ્ઞો કહી રહ્યા છે.

ગુજરાત સરકારના ખેતીવાડી ખાતાએ તાજેતરમાં જાહેર કરેલા આંકડાઓમાં કપાસનું વાવેતર 22.16 લાખ હેક્ટર સામે 22.22 લાખ હેક્ટર અર્થાત ગયા વર્ષ જેટલું જ રહ્યું છે. સરેરાશ વાવેતર 25.53 લાખ હેક્ટર થાય છે ત્યાં સુધી પહોંચવું હવે મુશ્કેલ લાગી રહ્યું છે. ખેડૂતો વરસાદની રાહ જોઇ જોઇને થાકી ગયા પછી કપાસને સ્થાને કઠોળ, સોયાબીન અને એરંડા વાવી રહ્યા છે. અલબત્ત હવે સોયાબીન કે કઠોળનો સમય પણ પૂરો થઇ જતા ખેડૂતો પાસે ફક્ત એરંડાનો અવકાશ છે. એરંડામાં તેજીનો માહોલ છે એટલે હવે એરંડાના વાવેતર વધી રહ્યા છે. એરંડાનું વાવેતર અત્યાર સુધીમાં 1.02 લાખ હેક્ટરમાં થયું છે. જે પાછલા વર્ષમાં 91,625 હેક્ટરમાં રહ્યું હતુ. વાવેતર ધીરે ધીરે વધી રહ્યું છે. એ જોતા સરેરાશ 6.37 લાખ હેક્ટરમાં વાવણી થાય છે. વરસાદની ખેંચ ઓગસ્ટમાં પણ ચાલુ રહે તો એરંડાના વાવેતર નવી ઉંચાઇ બનાવશે એમ સ્પષ્ટ દેખાય છે. બીજી તરફ સોયાબીનનો વિસ્તાર 70 ટકા જેટલો વધી જતા 2.19 લાખ હેક્ટર સુધી પહોંચી ગયો છે.”

મગફળીનું વાવેતર 18.93 લાખ હેક્ટર સુધી અટકી ગયું છે. પાછલા વર્ષમાં 20.37 લાખ હેક્ટરમાં થયું છે.મગફળીનું સરેરાશ 16.95 લાખ હેક્ટરમાં વાવેતર થતું હોય છે તેની તુલનાએ વાવેતર વધારે થયું છે.’ તલનો વિસ્તાર મોટાંપાયે ઘટી જતા 79000 હેક્ટર થયો છે. જે સામાન્ય રીતે 1.20 લાખ હેક્ટર રહેતો હોય છે.

કઠોળનું કુલ વાવેતર ગુજરાતમાં 4.35 લાખ હેક્ટર થયું છે, જે પાછલા વર્ષમાં 3.55 લાખ હેક્ટર હતુ. તુવેર, મગ અને અડદના વાવેતરમાં વધારો થયો છે. અડદનું વાવેતર 42 ટકા ઉંચકાઇને 1.40 લાખ હેક્ટર થયું છે. તુવેરનો વિસ્તાર 2.12 લાખ હેક્ટર અને મગનો વિસ્તાર 73 હજાર હેક્ટર રહ્યો છે. ડાંગરની વાવણી ગુજરાતમાં વધીને 6.29 લાખ હેક્ટર, બાજરીનું 1.36 લાખ હેક્ટર, જુવારમાં 16 હજાર હેક્ટર અને મકાઇનું વાવેતર 2.87 લાખ હેક્ટર રહ્યું છે.