અમદાવાદઃ શહેરમાં દિવાળીનું પર્વ ભારે ઉત્સાહથી ઊજવાયું હતું. શહેર પોલીસ કમિશનરે જાહેરનામું પ્રસિદ્ધ કરીને રાત્રે 8 થી 10 વાગ્યા સુધી જ માત્ર બે કલાક ફટાકડા ફોડવાની પરવાનગી આપી હતી. તેમજ જાહેર રોડ પર રાહદારીઓ અને વાહનચાલકોને અડચણરૂપ થાય તે માટે ફટાકડા ફોડવા પર પ્રતિબંધ મુકવામાં આવ્યો હતો. આમ છતાં કેટલાક બેફામ બનેલા નબીરાઓના કારણે સિંધુભવન રોડ પર અફરાતફરીનો માહોલ સર્જાયો હતો. ટ્રાફિકથી ભરચક જાહેર રોડ પર ફટાકડા ફોડતા નબીરાઓને રોકવાવાળું કોઈ ન હોય તેમ રસ્તાની વચ્ચે જોખમી ફટાકડા ફોડી વાહનચાલકોના જીવ જોખમમાં મૂક્યા હતા. આ બેફામ નબીરાઓના કૃત્યથી રસ્તા પર ટ્રાફિક જામની સ્થિતિ સર્જાઈ હતી. અને તહેવાર ટાણે પોતાના પરિવાર સાથે સમય વિતાવવા માગતા લોકો ઘરે સમયસર પહોંચી શકતા નહોતા. પોલીસે પણ આ તમાસો નિહાળ્યો છતાં પણ પગલાં લીધા નહતા.
દિવાળીની રાત્રે સિંધુભવન રોડ પર ફટાકડાં ફોડવાના કારણે ટ્રાફિક જામની સ્થિતિમાં પોલીસની ગાડી ફસાઇ હતી. ગયા વર્ષે પણ કેટલાક બેફામ નબીરાઓએ સરેઆમ જોખમી ફટાકડા ફોડી જનતાનો જીવ જોખમમાં મૂકી દહેશત ફેલાવી હતી. અને આ વર્ષે પણ એ સ્થિતિમાં કોઇ ફેર ન પડ્યો હોય તેમ રસ્તાની વચ્ચોવચ ફટાકડા ફોડ્યા હતા. સિંધુભવન રોડ પર કેટલાક લોકો પોતાનું શક્તિ પ્રદર્શન કરવા માટે હજારો રૂપિયાનું દારૂખાનું લઈને રસ્તા પર ઊતરી ગયા હતા. કોઈ ફૂટપાથ પર તો કોઈ રસ્તાની વચ્ચોવચ બેફામ ફટાકડા ફોડતા હતા. ના કોઈ કહેવાવાળું હતું કે ના કોઇ રોકવાવાળું. અને ત્યાંથી પસાર થતા નિર્દોષ વાહનચાલકો ફફડતા ફફડતા નીકળી રહ્યા હતા. પોલીસની ગાડી પણ આ ટ્રાફિક જામમાં ફસાઈ હતી પણ કોઈની હિંમત ન હતી કે આ બેફામોને રોકી શકે. મોડી રાત્ર સુધી આ તમાશો ચાલ્યો અને સામાન્ય લોકો હેરાન પરેશાન થઈ ગયા હતા. તાજ હોટલથી લઈને પકવાન ચાર રસ્તા સુધી જાણે ફટાકડા ફોડવા માટે પોલીસે મંજૂરી આપી હોય તે પ્રમાણેની વ્યવસ્થા થઈ ગઈ હતી. લોકો ત્રાહિમામ પોકારી ઊઠ્યા હતા અને પોલીસ મૂકપ્રેક્ષક બની હતી. લાંબી વાહનોની લાઈન ભારે ટ્રાફિક જામ અને આ બધાની વચ્ચે ફૂટપાથ પર હજારો રૂપિયાના ફટાકડા ફૂટી રહ્યા હતા. કોઈ ટુ-વ્હીલર ચાલક બાજુમાં જાય તો તેની બાજુમાંથી પણ ગમે ત્યારે બોમ્બ ફૂટી રહ્યા હતા. રસ્તાની વચ્ચોવચ બોમ્બ મૂકવામાં આવ્યા હતા જેના કારણે લોકો પરેશાન હતા. એટલું જ નહીં જ્યારે પણ આ પ્રકારની સ્થિતિ સર્જાય ત્યારે સ્થાનિક પોલીસને આ દિશામાં કાર્યવાહી કરવાની હોય છે. પરંતુ આખી રાત સર્જાયેલી આ સ્થિતિમાં પોલીસનાં વાહનો પણ આમાં ફસાઈ ગયાં હતાં અને તે પણ બહાર નીકળવાનો પ્રયાસ કરતા હતા. વહેલી સવાર સુધી આ સ્થિતિ સર્જાતા ફરી એકવાર તહેવારમાં કાયદો-વ્યવસ્થાને લઇને સવાલો ઊઠ્યા છે.