નવી દિલ્હીઃ આર્થિક કંગાલ પાકિસ્તાનને તાજેતરમાં રશિયા પાસેથી ક્રુડ ઓઈલ મળતા પાકિસ્તાનીઓમાં ખુશી ફેલાઈ હતી, તેમજ તેમના આશા હતી કે, પાકિસ્તાની સરકાર પેટ્રોલ-ડિઝલ સહિતના ઈંધણના ભાવમાં ઘટાડો કરશે. જો કે, દેશની જનતાની આશા ઉપર સરકારે પાણી ફેરવી નાખ્યું છે. પાકિસ્તાન સરકાર પેટ્રોલ-ડિઝલના ભાવમાં ઘટાડો કરીને જનતાને કોઈ રાહત આપવાની તૈયારીમાં નહીં હોવાનું જાણવા મળે છે.
પાકિસ્તાનના નાણામંત્રી ઈશાક ડારે પેટ્રોલ અને ડીઝલના ભાવમાં કોઈ ફેરફાર નહીં કરવાની જાહેરાત કરી છે. તેમણે કહ્યું કે આ નિર્ણય પેટ્રોલિયમ ઉત્પાદનોની આંતરરાષ્ટ્રીય કિંમતોને ધ્યાનમાં રાખીને લેવામાં આવ્યો છે. આ પહેલા પાકિસ્તાનના રક્ષા મંત્રી ખ્વાજા આરિફે કહ્યું હતું કે બજેટ 2023-24 પહેલા પેટ્રોલના ભાવમાં ઘટાડો કરવામાં આવશે. તેમણે એ પણ જણાવ્યું કે ઇન્ટરનેશનલ મોનેટરી ફંડ (IMF)ને લક્ષ્ય સબસિડી સાથે કોઈ સમસ્યા નથી.
પાકિસ્તાન સરકારે 31 મેના રોજ 15 દિવસ માટે પેટ્રોલ, ડીઝલ અને અન્ય પેટ્રોલિયમ ઉત્પાદનોના ભાવમાં ઘટાડો કર્યો હતો. તેમણે આગામી 15 દિવસ સુધી પેટ્રોલના ભાવમાં 8 રૂપિયા પ્રતિ લીટર, ડીઝલમાં 5 રૂપિયા પ્રતિ લીટર અને લાઇટ ડીઝલના ભાવમાં 5 રૂપિયાનો ઘટાડો કરવાની જાહેરાત કરી હતી. પેટ્રોલની નવી કિંમત 270 રૂપિયાથી ઘટીને 262 રૂપિયા પ્રતિ લીટર, ડીઝલ 258 રૂપિયાથી ઘટીને 253 રૂપિયા પ્રતિ લીટર અને લાઇટ ડીઝલની કિંમત 152 રૂપિયાથી ઘટીને 147 રૂપિયા પ્રતિ લીટર કરવામાં આવી છે.
કેરોસીનના ભાવમાં કોઈ ફેરફાર કરવામાં આવ્યો નથી. પેટ્રોલિયમ પેદાશોના નવા ભાવ 1 જૂનથી લાગુ કરવામાં આવશે. એપ્રિલ પછી આ ત્રીજી વખત છે જ્યારે પાકિસ્તાનમાં પેટ્રોલિયમ ઉત્પાદનોના ભાવમાં ઘટાડો થયો છે.