નવી દિલ્હીઃ દિલ્હીના મુખ્યમંત્રી કેજરિવાલના સરકારી આવાસમાં આમ આદમી પાર્ટીના મહિલા સાંસદ સ્વાતિ માલીવાલ સાથે અયોગ્ય વર્તન કરવાના મામલામાં ચોંકાવનારા ખુલાસા થયાં છે. સીએમ કેજરિવાલના સહયોગી કુમારે મહિલા સાંસદને લાતો મારવાની સાથે સાતેક લાફા પણ ઝીંક્યા હતા. મહિલા મદદ માટે બુમો પાડી રહી હતી તેમ છતા પણ કુમારે મારવાનું ચાલુ રાખ્યાનો સ્વાતિ માલીવાલે આરોપ લગાવ્યો છે. સમગ્ર મામલે પોલીસે ગુનો નોંધીને તપાસનો ધમધમાટ તેજ કર્યો છે. બીજી તરફ સમગ્ર મામલે રાજકારણ ગરમાયું છે બીજી તરફ આમ આદમી પાર્ટી બચાવની સ્થિતિમાં મુકાઈ છે.
આમ આદમી પાર્ટીના સાંસદ સ્વાતિ માલીવાલએ તાજેતરમાં જ આરોપ લગાવ્યો હતો કે, તેમની સાથે દિલ્હીના મુખ્યમંત્રી અરવિંદ કેજરિવાલના સરકારી આવાસ પર સીએમના સહયોગી વિભવ કુમારએ માર માર્યો હતો અને તેમની સાથે અયોગ્ય વર્તન કર્યો હતો. દરમિયાન આ મામલે શુક્રવારે પોલીસે સ્વાતિ માલીવાલએ મેજિસ્ટ્રેટ સામે લેખિત નિવેદન નોંધવામાં આવ્યું છે. સ્વાતિ માલીવાલએ એફઆઈઆરમાં વિભવ કુમાર ઉપર ગંભીર આરોપ લગાવ્યાં છે.
સ્વાતિ માલીવાલ તરફથી દાખલ કરવામાં આવેલી એફઆઈઆરમાં કહેવામાં આવ્યું છે કે, દિલ્હીના સીએમ અરવિંદ કેજરિવાલના સહયોગી વિભવ કુમારએ સ્વાતિ માલીવાલને કેટલીક લાતો મારી હતી, એટલું જ નહીં સાતથી આઠ જેટલા લાફા ઝીંકી દીધા હતા. બીજી તરફ સ્વાતિ માલીવાલ સતત મદદ માટે બુમો પાડી રહી હતી પરંતુ કુમાર તેમને માર મારતો રહ્યો હતો. કુમારે તેમને છાતી, પેટલ અને શરીરના નીચેના ભાગો ઉપર લાતો મારી હતી. સ્વાત માલીવાલની ફરિયાદના આધારે પોલીસે ગુનો નોંધીને તપાસ આરંભી હતી. આ ફરિયાદમાં કુમારને આરોપી બનાવવામાં આવ્યો છે.